ઉંઘનો અભાવ માણસના મનને ઘણાં વિચિત્ર કાર્યો કરવા પ્રેરી શકે છે અને ગરવી ગુજરાતણ સબરીના વેર્જીએ તેનો લાભ લઇ લીધો. તેણીએ એક જ વારમાં લેક ડિસ્ટ્રિક્ટ સમિટની વેનરાઇટ્સ તરીકે ઓળખાતા 214 શિખરો સર કરનારી વિશ્વની પહેલી મહિલા બની હતી.

સબરીનાએ ગરવી ગુજરાત સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ‘’મને મારા મૂળ વતનની વધારે માદિતી નથી પરંતુ મારા પરદાદા મૂળ ગુજરાતના વતની હતા અને તેઓ તેમના પરિવાર સાથે વર્ષો પહેલા ઇસ્ટ આફ્રિકાના કેન્યા ખાતે સ્થાયી થયા હતા. ત્યાંથી મારા પિતા યુકે સ્થાયી થયા હતા અને હું મારા પિતાની અટક ધારણ કરૂ છું.’’

39 વર્ષીય વેર્જી છ દિવસો દરમિયાન માત્ર સાત કલાક સૂઈ રહ્યા હતા અને તે દરમિયાન તેમણે 326 માઇલ ચાલીને 36,000 મીટર ઉંચાઇ સર કરી હતી. જે એવરેસ્ટનું ચાર વખતના આરોહણ બરાબર હતુ. તેણે ફીનીશીંગ પોઇન્ટ ઘૂંટણની સાધારણ ઇજા સાથે પૂરો કર્યો હતો.

તેણીએ છ દિવસ, 17 કલાક અને 51 મિનિટનો સમય લીધો હતો અને તે આ સિધ્ધી મેળવનાર અત્યાર સુધીની ત્રીજી સૌથી ઝડપી વ્યક્તિ છે અને તેણે અત્યંત અશક્ય સિદ્ધિ હાંસલ કરી છે. તે પહેલા દિવસે ઉંઘી ન હતી, પરંતુ પછી એમ્બલસાઇડમાં તેના ઘરે કાર પાર્ક અને તેના પોતાના પલંગમાં શ્રેણીબદ્ધ નિંદ્રા લીધી હતી.

તેણી પશુચિકિત્સક છે અને જ્યારે પણ તે વાહિયાત વાતો કરવાનું કે ગમે તેમ ચાલતી ત્યારે તેની સપોર્ટ ટીમ તેને બચાવવા બિવી બેગમાં મૂકી દેતી. તેને પાંચ મિનિટ સુધી સૂવા દઇ તેને ઉઠાડવામાં આવતી અને ફરીથી ચાલવાનું શરૂ કરી દેતી હતી. જોઇતી કેલેરી માટે વેર્જી દર 30 મિનિટે ખાતી હતી. તેના ફૂડમાં અવાકાડો, ટામેટા, ચીઝ સેન્ડવિચ અને સાદુ ચીઝ, કસ્ટર્ડ અને લિક્વિડ બેબી ફૂડ ખાતી હતી.

સરેમાં મોટા થયેલા વેર્જી સ્પોર્ટી બાળક નહોતા. પણ તેઓ ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ગયા ત્યારે જ તેમણે મોડર્ન પેન્ટાથ્લોન અને પછી ટ્રાઇથ્લોન્સ અને લાંબા અંતરની એડવેન્ચર રેસમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. છેવટે તે બ્રિટનની મહાન અલ્ટ્રા ડિસ્ટન્સ રનરમાંની એક બની ગઈ છે.

જ્યારે તે પરંપરાગત ફીનીશ પોઇન્ટ પર પહોંચી ત્યારે કેસ્વિકના મટ હોલ ખાતે નાનકડી પરંતુ પ્રતિષ્ઠિત સ્વાગત પાર્ટીમાં લેક ડિસ્ટ્રિક્ટના વિખ્યાત જોસ નાયલર મળ્યા હતા. જેમણે કહ્યું હતું કે  “તેણે જે હાંસલ કર્યું છે તે બીજાઓને પ્રેરણા આપશે. પરંતુ તે માર્ક ઘણા વર્ષો ટકશે.”