હિન્દુસ્તાન યુનિલીવર લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર સંજીવ મહેતાની ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI)ના પ્રેસિડેન્ટ પદે વરણી કરવામાં આવી છે

હિન્દુસ્તાન યુનિલીવર લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર સંજીવ મહેતાની ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI)ના પ્રેસિડેન્ટ પદે વરણી કરવામાં આવી છે. 18 ડિસેમ્બરે યોજાનારી સંસ્થાની 94મી એન્યુઅલ જનરલ મીટિંગના સમાપન વખતે તેમની નિમણૂક કરાશે. સંજીવ મહેતા અત્યારે FICCIના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ છે અને તેઓ વર્તમાન પ્રેસિડેન્ટ ઉદય શંકરનું સ્થાન લેશે. આ ઉપરાંત તેઓ યુનિલીવર સાઉથ એશિયા (ઇન્ડિયા, પાકિસ્તાન, બાંગલાદેશ, શ્રીલંકા અને નેપાળ)ના પણ વાઇસ પ્રેસિડેન્ટ છે. તેઓ યુનિલીવરના ગ્લોબલ એક્ઝિક્યુટિવ બોર્ડની યુનિલીવર લીડરશિપ એક્ઝિક્યુટિવના સભ્ય છે.

HULમાં તેમના આઠ વર્ષના સમયગાળા દરમિયાન કંપનીના બજાર મૂલ્યમાં 55 બિલિયન ડોલરથી પણ વધારો થયો છે, જેનાથી કંપનીને દેશની સૌથી મૂલ્યવાન કંપનીઓમાં સ્થાન મળ્યું છે. તેમના કાર્યકાળમાં HULને અનેક પુરસ્કારો પ્રાપ્ત થયા છે. તેમાં પ્રતિષ્ઠિત ઇકોનોમિક ટાઇમ્સનો ‘કંપની ઓફ ધ યર એન્ડ’ ‘કોર્પોરેટ સિટીઝન ઓફ ધ યર’ એવોર્ડ, બિઝનેસ સ્ટાન્ડર્ડનો કંપની ઓફ ધ યર એવોર્ડ અને એશિયન સેન્ટર ફોર કોર્પોરેટ ગવર્નન્સ એન્ડ સસ્ટેનેઇનેબિલિટીના ‘બેસ્ટ ગવર્ન્ડ કંપની એવોર્ડ’નો સમાવેશ થાય છે. ફોર્બ્સ દ્વારા HULને ભારતની સૌથી ઇન્નોવેટિવ કંપની અને વિશ્વની આઠમા ક્રમની સૌથી ઇન્નોવેટિવ કંપનીનું રેટિંગ અપાયું છે.

 આ ઉપરાંત તેઓ બોર્ડ ઓફ ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસના ડાયરેક્ટર, બ્રીચ કેન્ડી હોસ્પિટલ ટ્રસ્ટના સભ્ય અને સાઉથ એશિયા એડવાઇઝરી બોર્ડ ઓફ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના સભ્ય તરીકે પણ કાર્યરત છે.

તેમને ભૂવનેશ્વરની ઝેવિયર યુનિવર્સિટીની ઓનરરી ડોકટરેટ ઇન બિઝનેસ મેનેજમેન્ટ ડીગ્રી વડે અને ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશનના બિઝનેસ લીડર ઓફ ધ યરથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

સંજીવ મહેતાએ ભારતમાંથી કોમર્સમાં બેચલર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની ડીગ્રી મેળવી છે. ઉપરાંત હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં એડવાન્સ મેનેજમેન્ટ પ્રોગ્રામનો અભ્યાસ કર્યો છે. તેમનાં પત્ની મોના મહેતા પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તેમની જોડિયા દીકરીઓ-નૈના અને રોશનીએ એમઆઇટી અને હાવર્ડમાં અભ્યાસ કર્યો છે.