પ્રતિકાત્મક તસવીર (istockphoto)

 ડો. યુવા અય્‍યર
આયુર્વેદિક ફિઝિ‌શિયન

કોઇ પણ પ્રકારનાં કેન્સરની ટ્રીટમેન્ટના ભાગરૂપે મોટા ભાગે કેમોથેરાપીની મદદ લેવામાં આવે છે. કેમોથેરાપીથી ટ્યૂમર કે કેન્સરનાં સેલ્સને ઘટાડીને ત્યાર બાદ સર્જરીની મદદ લેવામાં આવતી હોય છે. કોઇ કિસ્સામાં કેન્સરની સર્જરી – ટ્રીટમેન્ટ થઇ ગયા પછી કેન્સરના કોષો શરીરમાં રહી ગયા હોય તો તે દૂર થઈ જાય તે માટે પણ આપવામાં આવતી હોય છે. તો કોઇ કિસ્સામાં કેમોથેરાપી એક માત્ર ટ્રીટમેન્ટ તરીકે પણ કેન્સરનાં કોષોને દૂર કરવા માટે વપરાય છે.  કેમોથેરાપી કેન્સરના કોષોની અનિયમિત અને ખૂબ ઝડપથી થતી વૃદ્ધિ અટકાવે તેવી  એક અથવા એકથી વધુ આ પ્રકારની દવાનાં મિશ્રણથી આપવામાં આવે છે. વેઇનમાં કેથેટર કે પોર્ટ કે પંપ લગાવી આ દવા આપવામાં આવતી હોય છે. દરેક કિસ્સામાં યોગ્ય નિદાન, પરીક્ષણ બાદ કેમોથેરાપીનો પ્રકાર, પ્રમાણ નક્કી થતું હોય છે. કેમોથેરાપીમાં વપરાતી દવાઓ કેન્સર માટે જવાબદાર કોષોનો નાશ કરવા માટે સક્ષમ હોય છે. આટલી અસરકારક દવાઓની શરીરનાં સામાન્ય કોષોને પણ અમુક હદે નુકસાન પહોંચાડે તેવી આડ અસર થાય છે. આથી જ કેમોથેરાની લેતાં દર્દીઓમાંઃ
ઉલટી, ઉબકા, ઝાડા
ભૂખ ન લાગવી, અપચો
તાવ
દુઃખાવો
મોંમાં ચાંદા પડવા
વાળ ખરવા
કબજિયાત
બ્લીડીંગ, શરીરમાં ચાંદા પડવા પૈકીની કોઇ આડઅસર થતી જોવા મળતી હોય છે.

દરેક રોગીની પરિસ્થિતિ જેમ કે રોગ કેટલો ગંભીર છે, રોગીનું બળ વગેરે ધ્યાનમાં રાખી કેમોથેરાપીનો ડોઝ નક્કી કરવામાં આવે છે. જેથી આડઅસર અટકાવી શકાય. તેમ છતાં થોડી-ઘણી આડઅસરમાંથી કેન્સરમાંથી છૂટવા માંગતા દર્દીઓએ પસાર થવું જ પડે છે.

વાળ ખરી પડવા!
અન્ય આડઅસર પૈકીની વાળ ખરી જવાની આડઅસરની રોગીને માનસિક અસર વધુ થતી હોય છે. અન્ય લોકો સામે પોતાનાં દેખાવમાં થયેલાં બદલાવને છુપાવી શક્વું શક્ય નથી થતું, ત્યારે રોગી હીનતા અનુભવે છે. આ ઉપરાંત દવાની આડઅસર વિશે વધુ ચિંતિત બની જાય છે. મોટા ભાગની બ્રેસ્ટ કેન્સર સામે લડત આપતી સ્ત્રીઓ બ્રેસ્ટ કેન્સરથી તો પીડાય છે પરંતુ તે સાથે ટ્રીટમેન્ટ દરમિયાન વાળ ખરી પડવાથી બદલાયેલા દેખાવથી પણ ખૂબ પીડાય છે. આ જ બધી બાબતોને ધ્યાનમાં રાખીને કાઉન્સિલિંગ, ગ્રુપ થેરાપી, બનાવટી વાળની વીગ વગેરેની મદદ લેવામાં આવે છે તે સાથે આધુનિક વિજ્ઞાનમાં “સ્કેલ્પ કુલીંગ કેપ” નામની FDA દ્વારા મંજૂરી મેળવેલી ડિવાઇસની મદદ પણ લેવામાં આવે છે.
સ્કેલ્પ કુલિંગ કેપ
કેમોથેરાપીની દવા લેવાની 20 મિનિટથી 90 મિનિટ પહેલાં વાળને ભીનાં કરી માથા પર એક વિશિષ્ટ પ્રકારની બનાવટની કેપ પહેરાવવામાં આવે છે, જેથી સ્કેલ્પનું તાપમાન એટલું ઘટાડી શકાય કે, સ્કેલ્પની રક્તવાહિનીઓમાં સંકોચ થવાથી, હેરફોલિકલ્સમાં કેમોથેરાપીમાં વપરાતી દવાઓ પહોંચી અને ત્યાંના કોષોને નુકશાન પહોંચાડતી અટકાવી શકાય. સ્કેલ્પ કુલિંગ કેપના ઉપયોગથી બ્રેસ્ટ કેન્સર સામે લડતી સ્ત્રીઓની વાળ ખરવાની તકલીફમાં કેટલો ઘટાડો થાય છે તથા સ્કેલ્પ કુલિંગ કેપ કેટલી સ્ત્રીઓ સ્વીકારે છે, વાપરી શકે છે વિગેરે વિશે અલગ-અલગ અવલોકનો – તારણો અમેરિકા સ્થિત વિવિધ યુનિવર્સિટીઓમાં થયેલાં છે. ઘણાં અંશે વાળ ખરતાં રોકવામાં આ ડિવાઇસ મદદ કરે છે. મોટાં પ્રમાણમાં સ્ત્રીઓ અમુક કેમોથેરાપીના સેસન્સ પછી સ્કેલ્પ કુલિંગ કેપનો અસ્વીકાર પણ કરે છે. કેમોથેરાપીનાં સેસન્સમાં જેટલો સમય લાગે તેની આગળનો 20થી 90 મિનિટનો અને પછીનો થોડો સમય કેપ પહેરી રાખવી પડતી હોવાથી સમય વધુ જવાનું પણ કારણ સામે આવે છે. આ ઉપરાંત અમુક સ્ત્રીઓને માથામાં દુઃખાવો, શરીરમાં ધ્રૂજારી થવી, ડોક – ખભામાં દુઃખાવો થવો જેવી તકલીફ પણ થતી હોય છે. કેમોથેરાપીમાં વપરાતી દવાઓને માથાનાં વાળનાં મૂળ સુધી જતી રોકવા માટેની આ ડિવાઇસ પર અવલોકનો – તારણો ચાલુ છે.
આયુર્વેદ શું સૂચવે છે?
આયુર્વેદિય દૃષ્ટિકોણથી વાળ ખરવાનાં પ્રશ્નને હલ કરવા માટે આહાર, વિહાર અને ઔષધ એવી ત્રણ રીત અપનાવવામાં આવે છે. કેમોથેરાપી દરમિયાન આડઅસરને ઘટાડવા માટે આયુર્વેદિય ઉપચારનાં આયોજનમાં પિત્તદોષનાં નિયમનને ધ્યાનમાં રાખી અને ગળ્યાં, તુરા, કડવા રસવાળા તથા શીતવીર્ય ધરાવતાં ખોરાક, પીણાં, ઔષધિઓને શી રીતે કેટલા પ્રમાણમાં કયા સમયે રોજ-બ-રોજના ડાયેટમાં સાંકળી લેવી તે વિશે સૂચવવામાં આવે છે. વધુ પડતી દવાઓ, રોગ વિષયક ચિંતા-ડર વિગેરેની શારીરિક-માનસિક અસરને પરિણામે વાયુદોષની વિકૃતિ પણ સ્વાભાવિક છે. આથી જ યોગ્ય માત્રામાં પાણી, વાયુ-પિત્ત સંતુલિત કરે તેવી ઔષધિઓનાં ક્વાથ-ફાંટ, સૂપ- ખીર જેવી હોમરેમેડી સૂચવવામાં આવે છે. આંબળા, ભૃંગરાજ, જટામાંસી, મંજીષ્ઠાદિ, હરડે, પિત્તપાપડો,ધાણા, કપૂરકાચલી જેવી સાદી વાનસ્પતિક એક જ ઔષધમાંથી બનાવેલી ટેબલેટ, ચૂર્ણ કે આખા ઔષધોને રાતભર પાણીમાં પલાળી સવારે ચોળી ગાળી અને બ્રેકફાસ્ટ સમયે તથા બપોરે લેવાથી વિકૃત થયેલા પિત્ત-વાયુને સંતુલિત રાખવાથી ઘણા અંશે ઉલટી, ઉબકા, અપચો, ભૂખ ન લાગવી, તાવ, બળતરા જેવી તકલીફ ઉપરાંત વાળ ખરતાં અટકાવી શકાય છે.
ખરી ગયેલાં વાળ ફરી પાછા ઝડપથી ઉગે તે માટે કેશ્ય વર્ગની ઔષધિઓથી બનાવેલાં તેલ, પિચુધારણ, શિરોધારા  ફાયદો કરે છે. આયુર્વેદિય ત્રિદોષસિદ્ધાંતને ધ્યાનમાં રાખી પ્રત્યેક રોગીની અનુકૂળતા – સ્વાદ જેવા ઘણાં પરિબળોને ધ્યાનમાં રાખી આયુર્વેદિય આહાર, વિહાર અને ઔષધની મદદથી માત્ર સ્કેલ્પમાં જ નહીં શરીરના વિ‌વિધ અવયવો પર કેમોથેરાપી દરમિયાન જો આડઅસર થતી હોય તો રાહત મેળવી શકે છે.
અનુભવસિદ્ધ

ટ્રીટમેન્ટ દરમિયાન હાથ કે પેટમાં થતી બળતરાં, ઉબકા, તાવ વગેરે આડઅસર ન થાય તે માટે આયુર્વેદિય ધાન્યહીમ કે ફાંટ જે સૂકા ધાણામાંથી બનાવવામાં આવે છે. તેનો ઉપયોગ કેમોથેરાપી દરમિયાન પીવામાં કરવાથી પિત્તનું સંતુલન  આંતરિક રૂપે થવાથી શરીરની પાચન, મૂત્રવહન ક્રિયાઓમાં ફાયદો થવાની સાથે શમનનો ગુણ ધરાવતી શીતવીર્ય ઔષધિઓથી એન્ઝાયટીમાં પણ ફાયદો થતો જોવા  મળે છે.

LEAVE A REPLY

18 − eighteen =