પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)
સીએટલ કાયદા દ્વારા જ્ઞાતિ ભેદભાવ પર પ્રતિબંધ મુકનારું દેશનું પ્રથમ શહેર બન્યું છે. આ અંગે સીએટલ સિટી કાઉન્સિલનાં સભ્ય ક્ષમા સાવંત (ડિસ્ટ્રિક્ટ-3, સેન્ટ્રલ સીએટલ) દ્વારા સીએટલ સિટી કાઉન્સિલમાં રજૂ કરવામાં આવેલો, કાયદો મંગળવારે 6-1 મત સાથે પસાર કરવામાં આવ્યો હતો. આ કાયદો “ભરતી, કાર્યકાળ, બઢતી, કામના સ્થળનીસ્થિતિ અથવા વેતન બાબતે જ્ઞાતિના આધારે ભેદભાવ કરવામાં બિઝનેસીઝને પ્રતિબંધિત કરે છે.” સાઉથ
એશિયાના 1,67,000થી વધુ લોકો વોશિંગ્ટન રાજ્યમાં રહે છે, જે મોટાભાગે ગ્રેટર સીએટલ વિસ્તારમાં વસે છે.
કાઉન્સિલ દ્વારા જાહેર કરવામાં આવેલા એક સત્તાવાર નિવેદનમાં, ક્ષમા સાવંતે જણાવ્યું છે કે, “જ્ઞાતિ ભેદભાવ માત્ર અન્ય દેશોમાં જ થતો નથી. તેનો સામનો સાઉથ એશિયન અમેરિકન અને કામ કરતા અન્ય ઇમિગ્રન્ટ લોકો તેમના કાર્યસ્થળોમાં કરે છે, સીએટલનું ટેકનોલોજી ક્ષેત્ર, અને તેમાં દેશભરના શહેરો સામેલ છે. તેથી જ મારી ઓફિસને આપણા સાઉથ એશિયન, અન્ય ઇમિગ્રન્ટ સમુદાયના સભ્યો અને તમામ કામ કરતા લોકો સાથે એકતાના ભાગરૂપે, જ્ઞાતિ આધારિત ભેદભાવને પ્રતિબંધિત કરવા માટે આપણા શહેર માટે દેશમાં પ્રથમ કાયદો લાવવાનો ગર્વ છે.
આ કાયદા અંતર્ગત હોટેલ જેવા રહેવા માટેના જાહેર સ્થળો, જાહેર ટ્રાન્સપોર્ટેશન, જાહેર શૌચાલય અથવા છૂટક સ્થળોએ જ્ઞાતિ આધારિત ભેદભાવ પર પણ પ્રતિબંધ મુકાશે. આ કાયદામાં રેન્ટલ હાઉસિંગ લીઝ, મિલકતનું વેચાણ અને મોર્ગેજ લોન્સને આવરી લેવામાં આવી છે.
સાવંતે વધુમાં જણાવ્યું હતું કે, “જ્ઞાતિ ભેદભાવ, કામના સ્થળે ભેદભાવ અને પૂર્વગ્રહમાં વધુને વધુ ગંભીર ફાળો આપી રહ્યું છે-ઇક્વાલિટી લેબ્સના આંકડા દર્શાવે છે કે, દર ચારમાંથી એક વ્યક્તિને જ્ઞાતિ આધારિત શારીરિક અને મૌખિક અત્યાચારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે ત્રણમાંથી એક વ્યક્તિને શિક્ષણમાં ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો, અને ત્રણમાંથી બે વ્યક્તિએ કાર્યસ્થળે ભેદભાવનો સામનો કર્યો હતો.”
ઇન્ડિયન-અમેરિકન અધિકારોના સંગઠનોના ગઠબંધન-ધ ઇન્ડિયન અમેરિકન કોલિશન દ્વારા “શહેરમાં જ્ઞાતિ-આધારિત ભેદભાવને પ્રતિબંધિત કરવા માટે ઐતિહાસિક કાયદો પસાર કરવામાં પહેલ કરવા બદલ” સીએટલ સિટી કાઉન્સિલની પ્રશંસા કરવામાં આવી હતી.
મંગળવારે કાઉન્સિલમાં આ કાયદા પર મતદાન થાય તે અગાઉ, કોલિશન ઓફ હિન્દુઝ ઓફ નોર્થ અમેરિકા દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું કે, “100થી વધુ સાઉથ એશિયન સંસ્થાઓ, બિઝનેસીઝમાં દલિત બહુજન ગ્રૂપો, મંદિરો, સાંસ્કૃતિક મંડળો સહિતના સહયોગીએ કાઉન્સિલ મેમ્બર ક્ષમા સાવંતના સૂચિત જ્ઞાતિ વિષયક વટહુકમ સામે સીએટલ કાઉન્સિલને મત ન આપવાની વિનંતી કરી હતી.”
એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, “અમે જ્ઞાતિ આધારિત ભેદભાવ સહિત તમામ પ્રકારના ભેદભાવને વખોડીએ છીએ…જોકે, અમે આવા વર્તમાન પ્રસ્તાવને જોઈને આઘાત અને દુ:ખની લાગણી અનુભવીએ છીએ, જે ઈક્વાલિટી લેબ્સ જેવા તીરસ્કાર જૂથો દ્વારા ખોટા અને અપ્રમાણિત આરોપો પર આધારિત છે. આ વટહુકમ ધર્માંધતા વધારે છે અને ‘જ્ઞાતિ’ના વંશવાદનો ઉપયોગ કરીને સાઉથ એશિયન સમુદાયને જુદો કરે છે.” સીએટલ સિટી કાઉન્સિલમાં આ કાયદાનો વિરોધ કરનાર એકમાત્ર સભ્ય સારા નેલ્સને પણ આવી જ કેટલીક દલીલો રજૂ કરી હતી.
આ અંગે ઇક્વાલિટી લેબ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર થેન્મોઝી સુંદરરાજને જણાવ્યું હતું કે, “સીએટલ જ્ઞાતિના ભેદભાવ પર પ્રતિબંધ મૂકનાર દેશનું પ્રથમ શહેર બનતા નફરત પર પ્રેમનો વિજય થયો છે. આપણે દુષ્કર્મની ધમકીઓ, હત્યાની ધમકીઓ, ખોટી માહિતી અને ધર્માંધતાનો સામનો કર્યો છે. પહેલા સીએટલ, હવે દેશનો સમય આવ્યો છે!”

LEAVE A REPLY

eleven + eighteen =