Biden called Ajay Banga a transformational leader
FILE PHOTO: REUTERS/Lucas Jackson/File Photo

અમદાવાદ ખાતેની વિશ્વપ્રસિદ્ધ આઇઆઇએમના ભૂતપૂર્વ વિદ્યાર્થી અજય બાંગાને અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડનને વર્લ્ડ બેન્કના વડા તરીકે નોમિનેટ કર્યા છે. પરંપરા મુજબ વર્લ્ડ બેન્કના પ્રમુખ તરીકે અમેરિકાની નોમિની જ હોય છે.
વિશ્વની આ અગ્રણી નાણાસંસ્થાના આ મહત્વના હોદા પર ભારતવંશીનું નોમિનેશન વિશ્વમાં ભારતનો દબદબો વધી રહ્યો હોવાનો સંકેત આપે છે.

વ્હાઇટ હાઉસે બાંગાના નોમિનેશનની જાહેરાત કરી હતી. બાઇડેને એક નિવેદનમાં કહ્યું હતું કે ‘ઇતિહાસની આ મહત્વના ક્ષણે વર્લ્ડ બેન્કને લીડ કરવા માટે અજય એકદમ સજ્જ છે. તેઓ વિકાસશીલ અર્થતંત્રોમાં રોકાણ લાવવા અને રોજગારી ઊભી કરતી સફળ વૈશ્વિક કંપનીઓને ઊભી કરવા અને સંચાલન કરવામાં ત્રણ દાયકાથી વધુનો અનુભવ ધરાવે છે. તેઓ સમયાંતરે મૂળભૂત સુધારા થકી સંસ્થાઓને માર્ગદર્શન આપવામાં મહારત ધરાવે છે. તેઓ લોકો અને સિસ્ટમ્સને મેનેજ કરવાનો તેમજ વિશ્વભરના નેતાઓ સાથે સારા સંબંધો સ્થાપિત કરવાનો સારો ટ્રેક રેકોર્ડ ધરાવે છે. જેના પરિણામો પણ મળ્યા છે.’

અજય બાંગાનો જન્મ પૂણેમાં થયો હતો. તેમના પિતા હરભજન સિંઘ ભારતીય આર્મીમાં લેફ્ટેન્ટ-જનરલના હોદા પર હતા. અજય બાંગા આ મહિને નિવૃત્ત થનાર ડેવિડ મેલપાસના અનુગામી બનશે. તેમણે પોતાના પાંચ વર્ષના કાર્યકાળથી એક વર્ષ અગાઉ જ હોદો છોડવાની જાહેરાત કરી હતી. બાંગાને 2016માં પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
63 વર્ષીય બાંગાએ હૈદરાબાદમાં સ્કૂલનું શિક્ષણ લીધું હતું અને દિલ્હીના સેન્ટ સ્ટીફન કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. આઇઆઇએમ-અમદાવાદમાંથી મેનેજમેન્ટ ડિગ્રી મેળવનાર બાંગાએ નેસ્લેથી પ્રોફેશનલ કેરીયરની શરૂઆત કરી હતી. પેપ્સિકો અને સિટીમાં પણ તેમણે મહત્વની જવાબદારી સ્વીકારી હતી. માસ્ટરકાર્ડના સીઇઓ પણ રહી ચૂક્યા હતા. હાલમાં તેઓ જનરલ એલાન્ટિકના વાઇસ ચેરમેન છે.

LEAVE A REPLY

19 − 9 =