ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ(PTI Photo)

ગુજરાતમાં ચિપ ઉત્પાદન ક્ષેત્રે રોકાણકારોને આકર્ષવા માટે રાજ્ય સરકારે બુધવારે સેમી કન્ડકટર પોલિસી જાહેર કરી હતી. આ પોલિસીનો હેતુ ગુજરાતને ચીપ મેન્યુફેક્ચરિંગનું હબ બનાવવાનો છે. સરકારે ધોલેરા ખાતે સેમિકોન સિટી સ્થાપવાની યોજના બનાવી છે. આ પોલિસી હેઠળ સેમી કન્ડક્ટર પ્રોજેક્ટ્સ માટે મૂડીસહાય અને મંજૂરીઓ માટે સિંગલ વિન્ડો સિસ્ટમની જોગવાઈ કરાઈ છે. સરકારની આ પોલિસીથી આગામી 5 વર્ષમાં 2 લાખ લોકોને રોજગારી મળવાનો અંદાજ છે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી 2022-2027”ની જાહેરાત કરવામાં આવી હતી. સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યુ કે, સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ઉત્પાદન ક્ષેત્રે સહાય માટે અલગ પોલિસી જાહેર કરનારા ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.

તેમણે કહ્યું હતું કે, ભારત સરકારના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય હેઠળ ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન દ્વારા મંજૂર કરાયેલા પ્રોજેક્ટસ માટે ભારત સરકાર દ્વારા આપવામાં આવેલી સહાય ઉપરાંત ભારત સરકાર દ્વારા આપવામાં આવતી મૂડી સહાયના 40 ટકાના દરે વધારાની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. આ પોલિસી હેઠળ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન ખાતે ધોલેરા સેમિકોન સીટી સ્થાપવામાં આવશે અને પાત્રતા ધરાવતા પ્રોજેક્ટ્સને પ્રથમ 200 એકર જમીન ખરીદી પર 75% સબસિડી અને ફેબ પ્રોજેક્ટ અથવા અપસ્ટ્રીમ/ડાઉનસ્ટ્રીમ તથા ISM હેઠળ મંજૂર થયેલા અન્ય પ્રોજેક્ટ્સ માટે જરૂરી વધારાની જમીન ઉપર 50 ટકા સબસિડી આપવામાં આવશે.

આ પોલીસી હેઠળના પ્રોજેક્ટના હેતુ માટે જમીનના ભાડાપટ્ટા/ વેચાણ/ ટ્રાન્સફર માટે પાત્ર પ્રોજેક્ટ્સ દ્વારા સરકારને ચૂકવવામાં આવેલ 100% સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીના એક વખતના વળતરની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્ય સરકારના વિવિધ કાયદા હેઠળ મેળવવાની થતી તમામ મંજૂરીઓ ઝડપી રીતે મળી રહે તે અર્થે સિંગલ વિન્ડો મિકેનિઝમ સ્થાપવામાં આવશે.