સુરતમાં બુધવારે સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાંથી આગ લાગી હતી. (ANI Photo)

સુરતમાં એક કેમિકલ ફેક્ટરમાં બુધવારે લાગેલી ભીષણ આગમાં સાત શ્રમિકોના મોત થયા અને સંખ્યાબંધ ઘાયલ થયા હતા. સ્ટોરેજ ટેન્કમાં મોટા વિસ્ફોટ પછી આગ ભભૂભી ઉઠી હોવાનું માનવામાં આવે છે. શ્રમિકોના મૃતદેહો ગુરુવાર, 30 નવેમ્બરની વહેલી સવારે પરિસરમાંથી મળી આવ્યા હતા.

સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓકના જણાવ્યા મુજબ; શહેરના સચિન ઔદ્યોગિક વિસ્તારમાં એથર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કેમિકલ મેન્યુફેક્ચરિંગ યુનિટમાંથી મૃત હાલતમાં મળી આવેલા સાત વ્યક્તિઓમાંથી એક  વ્યક્તિ કંપનીનો કર્મચારી હતો જ્યારે અન્ય છ કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા. ફેક્ટરી પરિસરમાં સર્ચ ઓપરેશન દરમિયાન અધિકારીઓને સાત કામદારોના મૃતદેહો મળ્યા  હતા, જે બુધવારે પ્લાન્ટમાં આગ લાગવાથી ગુમ થયા હતા.

મૃતકોની ઓળખ દિવ્યેશ પટેલ (કંપની કર્મચારી), સંતોષ વિશ્વકર્મા, સનત કુમાર મિશ્રા, ધર્મેન્દ્ર કુમાર, ગણેશ પ્રસાદ, સુનીલ કુમાર અને અભિષેક સિંહ તરીકે થઈ હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે આ ઘટનામાં ઘાયલ થયેલા 24 લોકો હાલમાં વિવિધ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

કેમિકલ પ્લાન્ટમાં બુધવારે સવારે લગભગ 2 વાગ્યે એક મોટી ટાંકીમાં વિસ્ફોટ થતાં તેમાં સંગ્રહિત જ્વલનશીલ રસાયણોના લીકેજ બાદ આગ ફાટી નીકળી હતી. આગને કાબૂમાં લેવા માટે 15 જેટલા ફાયર ટેન્ડરોને કામે લગાડવામાં આવ્યાં હતા. આગ એટલી ભીષણ હતી તેના પર કાબુ મેળવતા  નવ કલાકનો સમય લાગ્યો હતો.

29 નવેમ્બરના રોજ એક નિવેદનમાં કંપનીએ જણાવ્યું હતું કે અમે આથી જાણ કરીએ છીએ કે આજે વહેલી સવારે સુરતના જીઆઈડીસી સચિન, પ્લોટ નંબર 8203 ખાતે કંપનીના ઉત્પાદન પ્લાન્ટ પર આગની ઘટના નોંધાઈ હતી. આશરે 25 લોકોને ઇજાઓ થઈ હતી.

 

 

 

LEAVE A REPLY

seventeen + fourteen =