8 people, including an Indian family, died in an attempt to enter America from Canada

કેનેડાની બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં ઘુસણખોરી કરવાના પ્રયાસમાં ઉત્તર ગુજરાતના વધુ સાત યુવકો તાજેતરમાં અમેરિકાના ઇમિગ્રેશન અધિકારીઓના હાથે ઝડપાઇ ગયા હતા, એમ મીડિયા અહેવાલમાં પોલીસ સૂત્રોને ટાંકીને જણાવાયું હતું.

મીડિયા અહેવાલમાં ગુજરાત પોલીસના સૂત્રોને ટાંકીને જણાવાયું હતું કે આ સાતેય યુવકો વાયા ક્યુબેક થઈને ન્યૂયોર્કમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેમની ઉંમર 20-25 વર્ષ છે. આ તમામ યુવકો ગાંધીનગર તેમજ મહેસાણાના રહેવાસી છે, જેઓ જુલાઈના બીજા સપ્તાહમાં કેનેડા જવા નીકળ્યા હતા, જ્યાંથી બોર્ડર ક્રોસ કરીને અમેરિકામાં એન્ટ્રી કરવાનો તેમનો પ્લાન હતો. હાલ અમેરિકાની જેલમાં રહેલા યુવકો સામે ઈમિગ્રેશન અને કસ્ટમ વિભાગ દ્વારા એલિયન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે.

ગુજરાત પોલીસે પણ આ ઘટનાની નોંધ લઇને તપાસ શરુ કરી હતી. પોલીસ આ યુવકોના પરિવારજનોની પૂછપરછ કરી હતી, પરંતુ તેઓ એવો દાવો કરી રહ્યા છે કે તેમને આ અંગે કોઈ માહિતી નથી. બીજી તરફ, પોલીસે દાવો કર્યો હતો કે કે આ સાતેય લોકોએ મહેસાણાના એક લોકલ એજન્ટ અને તેના દિલ્હી સ્થિત પાર્ટનરની મદદથી IELTSમાં સારા બેન્ડ મેળવ્યા હતા, જેના આધારે કેનેડાના સ્ટૂડન્ટ વિઝા મેળવી તેઓ ત્યાં પહોંચ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, 5 મેએ આ જ રીતે કેનેડામાંથી અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરતા મહેસાણાના છ યુવકોની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ યુવકો નાનકડી બોટમાં સવાર થઈ અમેરિકામાં ઘૂસી રહ્યા હતા. જોકે, તેમની બોટ ડૂબી જતાં તે તમામ પણ નદીના ઠંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા, પરંતુ અમેરિકન પોલીસે તેમને તાત્કાલિક બચાવી લઈ કસ્ટડીમાં લીધા હતા. આ છ યુવકો સામે અમેરિકન કોર્ટે માનવીય અભિગમ દાખવતા તેમની વિરુદ્ધ કોઈ ક્રિમિનલ પ્રોસિડિંગ હાથ ધરવાને બદલે તેમને ડિપોર્ટ કરવાનો આદેશ કર્યો હતો.