વર્લ્ડ ઓસન્સ ડે નિમિત્તે પ્રેસિડેન્ટ જો બાઇડેન એડમિનિસ્ટ્રેશને જાહેરાત કરી છે કે, આવનારા દસકામાં અમેરિકામાં પબ્લિક પાર્ક્સ અને અન્ય જાહેર સ્થળોએ પ્લાસ્ટિકના મર્યાદિત ઉપયોગ (સિંગલ યુઝ) પર પ્રતિબંધ લાદશે. આ અંગે દેશનાં ઇન્ટિરીયર સેક્રેટરી દેબ હાલેન્ડના આદેશ મુજબ, આ પ્રતિબંધમાં પ્લાસ્ટિકની થેલીઓ, બોટલો, ફૂડ રેપર, કપ અને અન્ય ટેબલવેરનું વેચાણ અને વિતરણનો સમાવેશ કરવામાં આવશે.સરકારી વિભાગો પાસે પર્યાવરણને નુકસાનકર્તા હોય તેવી સામગ્રીનો વિકલ્પ સ્વીકારવાનું આયોજન વિકસાવવા માટે એક વર્ષનો સમય છે અને પછી તે ફેરફારને પૂર્ણ કરવા માટે 2032 સુધીનો સમય છે. હાલેન્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘નેશનલ પાર્ક્સ અને અને રાષ્ટ્રીય વન્યજીવ આશ્રિતો સહિત રાષ્ટ્રની જાહેર જમીનોના રખેવાળ તરીકે, અને માછલી, વન્યજીવન, વૃક્ષો વગેરેના સંરક્ષણ અને વ્યવસ્થાપન માટે જવાબદાર એજન્સી તરીકે, અમે આપણી પૃથ્વી માટે વધુ સારું કરવા માટે અનોખી રીતે સક્ષમ છીએ.’
પ્લાસ્ટીકનો કચરો માછલીઓ અને અન્ય વન્યજીવો માટે ગંભીર રીતે જોખમી છે, જેની ખરાબ અસર દરિયાઇ સૃષ્ટિ સહન કરે.
ઇન્ટીરિયર ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, દર વર્ષે 300 મિલિયન ટનથી વધુ પ્લાસ્ટિકનું ઉત્પાદન થાય છે, તેમાંથી ઓછામાં ઓછા 14 મિલિયન ટન કચરો સમુદ્રમાં ઠલવાય છે. બિન નફાકારક સંસ્થા-ઓસનાના પ્લાસ્ટિક કેમ્પેઇનનાં ડાયરેક્ટર ક્રિસ્ટી લેવિટે અમેરિકન એડમિનિસ્ટ્રેશનની આ જાહેરાતનું સ્વાગત કર્યું છે અને જણાવ્યું છે કે, ‘બાઇડેન એડમિનિસ્ટ્રેશન આપણા સમુદ્દને બચાવવા માટે એક મોટું પગલું લઇ રહ્યું છે.’ ઓશના સહિતની 300 અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ અને બિઝનેસીઝે ગત વર્ષે બાઇડેન એડમિનિસ્ટ્રેશનને આ અંગે પત્ર લખની પગલાં લેવાની માગણી કરી હતી.