ઈઝરાયેલ – હમાસ વચ્ચેનો જંગ હવે મંગળવારે (17 ઓક્ટોબર) અગિયારમાં દિવસમાં પ્રવેશસે, ત્યારે ઈઝરાયેલના સંરક્ષણ પ્રધાને કહ્યું હતું કે, કિંમત કદાચ મોટી હશે, પણ હમાસ સામેના જંગમાં અમારો વિજય નિશ્ચિત છે. બીજી તરફ વિશ્વના અનેક દેશોની જેમ ભારતે પણ ઈઝરાયેલમાંથી પોતાના નાગરિકોને સ્વદેશ પાછા લાવવા શરૂ કરેલા ઓપરેશન અજેય હેઠળ સોમવારે પાંચમી સ્પેશિયલ ફલાઈટ તેલ અવિવથી રવાના થઈ હતી. આ જંગમાં સત્તાવાર માહિતી મુજબ સોમવાર સુધીમાં 4,000થી વધુ લોકોનો મોત નિપજ્યા હતા, તો ઘવાયેલાઓની સંખ્યાનો અંદાજ પણ પ્રાપ્ત કરવો મુશ્કેલ છે.
તો બીજી તરફ ઈઝરાયેલના વડાપ્રધાનના કાર્યાલયે એક સંદેશમાં જણાવ્યું હતું કે, ઈઝરાયેલનો જંગ હમાસ સામે છે, પેલેસ્ટાઈનની સામાન્ય જનતા સામે નથી. અમે 96 કલાકથી પેલેસ્ટાઈનના લોકોને સલામત સ્થળે ખસી જવા ચેતવણી આપતા રહ્યા છીએ, પણ એવું દેખાય છે કે હમાસ સામાન્ય જનતાને સલામત સ્થળે ખસવા દેતું નથી, તેમનો અમાનવિય રીતે ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યું છે.
હમાસ સામેના આક્રમણ પછી ઈઝરાયેલમાં સર્વપક્ષી સરકાર રચાઈ છે, જ્યાં તમામ પક્ષોએ મતભેદો હાલ પુરતા દફનાવી દઈ હમાસ સામેના જંગમાં એક અવાજે લડી લેવા, હમાસને ખતમ કરવાનો રણટંકાર કર્યો છે. ઈઝરાયેલી ભારતીય એવી ત્રણ મહિલા સુરક્ષા અધિકારીઓ આ જંગમાં વીરગતિ પામી હોવાના અહેવાલો પણ છે.
સંયુક્ત રાષ્ટ્રો, વિશ્વ આરોગ્ય સંસ્થા, વર્લ્ડ રેડક્રોસ વગેરેએ ગાઝા પટ્ટીમાં ઘેરાબંધી પછીની માનવીય સ્થિતિ અંગે સતત ઘેરી ચિંતા દર્શાવવામાં આવી રહી છે, તો અમેરિકા, યુરોપ વગેરે પશ્ચિમી દેશોએ ઈઝરાયેલના સ્વબચાવના અધિકાર અબાધિત હોવાનું મક્કમ સ્વરમાં જણાવ્યું હતું. ભારતે પ્રથમ સત્તાવાર પ્રતિભાવમાં પોતે ઈઝરાયેલની પડખે હોવાનું ખોંખારો ખાઈને જણાવ્યા પછી સાવચેતીભર્યા સૂરમાં એવું પણ કહ્યું હતું કે, સ્વતંત્ર અને નિર્ભય પેલેસ્ટાઈનના અધિકારને પણ ભારતે વર્ષોથી સમર્થન આપેલું છે અને તેનું એ વલણ આજે પણ યથાવત છે.
સોમવારે મોડેથી મળતા સંકેતો મુજબ ઈજીપ્તનો તેની ગાઝા સાથેની રાફા સરહદ ખોલવામાં ખચકાટ હોવાના કારણે ગાઝા માટેની માનવીય સહાયનો જથ્થો પણ ત્યાં અટવાઈ ગયો છે, તો બીજી તરફ અમેરિકાના વિદેશ પ્રધાન બ્લિંકેને પણ એવી આશા દર્શાવી હતી કે ઈજીપ્ત રાફા બોર્ડર ખોલી ગાઝાના સામાન્ય નાગરિકોને સલામત સ્થળ તરફ પ્રયાણ કરવા દેશે. તો ઈઝરાયેલે તેની લેબેનોન સાથેની ઉત્તરની સરહદના 28 ગામો ખાલી કરાવ્યા છે અને સાથે સાથે ઈરાન તથા લેબેનોન અને હેઝબોલ્લાહને ચેતવણી આપી છે કે તેઓ ઈઝારાયેલની ધીરજની વધુ કસોટી કરે નહીં.













