આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા શ્રીલંકાની સેન્ટ્રલ બેન્કે બેંકે ગુરુવારે કોઈ વ્યક્તિ પાસે વિદેશી નાણું રાખવાની મર્યાદા 15,000 ડોલરથી ઘટાડીને 10,000 ડોલર કરવાનો નિર્ણય લીધો છે. દેશમાં વિદેશી હૂંડિયામણ સંકટના કારણે તેની પાસે ઈંધણ માટે ચૂકવણી માટે રૂપિયા નથી.

અહેવાલ મુજબ, કેન્દ્રીય બેંકના ગવર્નર નંદલાલ વીરાસિંઘેએ કહ્યું કે, વિદેશી કરન્સી એક્સચેન્જ એક્ટ અંતર્ગત કોઈપણ માટે વિદેશી ચલણ રાખવાની મર્યાદા હોય છે. અત્યાર સુધી આ મર્યાદા 15,000 ડોલર હતી. ગવર્નરે કહ્યું કે, 10 હજાર ડોલરની મર્યાદા સાથે સંબંધિત વ્યક્તિએ એ જણાવવું પડશે કે તેને એ રૂપિયા ક્યાંથી મળ્યા છે. તેમણે કહ્યું કે, વિદેશી નાણું રાખનારાને બે સપ્તાહની છૂટ અપાશે. તેનાથી વધુ વિદેશી નાણું હોય તો તેને બેન્કિંગ સિસ્ટમમાં પોતાના વિદેશી કરન્સી ખાતામાં જમા કરાવવાનું રહેશે કે પછી તેને ‘સરેન્ડર’ કરવું પડશે. શ્રીલંકાએ બુધવારે કહ્યું કે, તેના દરિયા કિનારા પર લગભગ બે મહિનાથી પેટ્રોલ ભરેલું જહાજ ઊભું છે, પરંતુ તેની ચૂકવણી માટે તેની પાસે વિદેશી નાણું નથી. શ્રીલંકાએ પોતાના નાગરિકોને અપીલ કરી છે કે, આ ઈંધણ માટે લાઈનમાં ઊભા રહી રાહ ન જુએ. જોકે, શ્રીલંકાની સરકારે કહ્યું છે કે, દેશની પાસે ડિઝલનો પૂરતો ભંડાર છે.