પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)  

શ્રીલંકાના હંબનટોટા પોર્ટ પર ચીનના કથિત જાસૂસી જહાજના આગમનના મુદ્દે શ્રીલંકા, ભારત અને ચીન વચ્ચે બિનસત્તાવાર વિવાદ ઊભો થયો થયો હોય તેમ લાગે છે. ભારતના ભારે દબાણને પગલે શ્રીલંકાએ આ જાસૂસી જહાજના આગમનને અનિશ્ચિત મુદત સુધી મોકૂફ રાખવાની ચીનને વિનંતી કરી હતી. આ પછી કોલંબો ખાતેના ચીનના દૂતાવાસે શ્રીલંકાના સિનિયર સત્તાવાળા સાથે તાકીદે બેઠક કરવાની માગણી કરી છે.
આ જાસૂસી જહાજ અંગે ભારતે શ્રીલંકા સમક્ષ પોતાની ચિંતા વ્યક્ત કરી છે. ચીનનું સ્પેસ એન્ડ સેટેલાઇટ ટ્રેકિંગ રિસર્ચ જહાજ યુઆન વાંગ-5 મૂળ યોજના મુજબ 11 ઓગસ્ટે શ્રીલંકાના હંબનટોટા પોર્ટ પર આવવાનું છે. આ શંકાસ્પદ જહાજ 17 ઓગસ્ટ સુધી આ પોર્ટ પર રહેવાનું છે.

શ્રીલંકાના વિદેશ મંત્રાલયે 5 ઓગસ્ટે ચીનના દૂતાવાસને લેખિતમાં રજૂઆત કરી હતી કે મંત્રાલય વિનંતી કરે છે કે જહાજ યુઆન વાંગ-5ના હંબનટોટા પોર્ટ પરના આગમને આ મુદ્દે વધુ વિચારવિમર્શ ન થાય ત્યાં સુધી મોકૂફ રાખવામાં આવે. શ્રીલંકાના મીડિયા અહેવાલ હતા કે શ્રીલંકાએ આ જહાજના આગમનને મોકૂફ રાખવાની વિનંતી કર્યા બાદ આ ટાપુ દેશના પ્રેસિડન્ટ રાનિલ વિક્રમસિંઘે ચીનના રાજદૂત ઝેનહોંગ સાથે બંધબારણે બેઠક કરી હતી. જોકે પ્રેસિડન્ટ ઓફિસે આવા અહેવાલને ફગાવી દીધા હતા.

શ્રીલંકાની અગાઉની ગોટાબાયા રાજપક્ષની સરકારે 12 જુલાઈએ ચીનના જહાજના આગમનને મંજૂરી આપી હતી. તે સમયે શ્રીલંકાએ જણાવ્યું હતું કે આ જહાજ ઇંધણ અને પુરવઠા માટે આવી રહ્યું છે.  જોકે ભારતે રાષ્ટ્રીય સુરક્ષા સામેના જોખમને કારણે શ્રીલંકાએ આપેલી આ મંજૂરીનો વિરોધ કર્યો હતો. યુઆન વાંગ-5 બેવડા ઉપયોગનું જાસૂસી બિમાન છે. મીડિયા રીપોર્ટ મુજબ તે રિસર્ચ એન્ડ સરવે જહાજ છે, જેનો ઉપયોગ સ્પેસ અને સેટેલાઇટ ટ્રેકિંગ માટે થાય છે. ઇન્ટરકોન્ટેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ લોન્ચ કરવા માટે તેનો વિશેષ ઉપયોગ થાય છે. 2014માં શ્રીલંકાએ ચીનની અણુ સબમરિનને તેના પોર્ટ પર આવવાની પરવાનગી આપી હતી. આ પછી ભારત અને શ્રીલંકાના સંબંધો કથળ્યા હતા.