બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત ‘અસાની’ આગામી 24 કલાકમાં ઓડિશાના દરિયાકાંઠે પહોંચશે. હવામાન વિભાગે ચેતવણી આપી હતી કે, માછીમારોને 9 મેના રોજ બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં, 9 અને 10ના રોજ પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં અને 10 મેથી 12 મે સુધી ઉત્તર પશ્ચિમ ખાડીમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. આ વાવાઝોડુ પ્રતિકલાક 120 કિમીના પવન સાથે સોમવારે આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકિનારા તરફ આગળ વધી રહ્યું હતું, જોકે આગામી બે દિવસમાં ધીમે ધીમે નબળું પડવાની શક્યતા છે.

હવામાન વિભાગે અસાનીની ગતિ અને તીવ્રતાની આગાહીમાં જણાવ્યું હતું કે, ચક્રવાતી તોફાન બુધવારે તીવ્ર ચક્રવાતી તોફાનમાં બદલાવવા અને ગુરુવાર સુધીમાં ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની સંભાવના છે. ચક્રવાત પૂર્વ કિનારે સમાંતર આગળ વધશે અને મંગળવાર સાંજથી વરસાદનું કારણ બનશે.

આગામી 5 દિવસ દરમિયાન ઉત્તરપૂર્વ ભારતમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 10 અને 12મી મે દરમિયાન અરુણાચલ પ્રદેશમાં અને 09-12મી મે દરમિયાન આસામ-મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, ઉત્તર મધ્ય મહારાષ્ટ્રમાં 09 મેના રોજ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બીજી બાજુ, પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 9થી 12 મે સુધી અને દક્ષિણ હરિયાણા, દિલ્હી અને દક્ષિણ પંજાબમાં 10થી 12 મે દરમિયાન ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.