ભારતના વિદેશ મંત્રાલયે એક ચોંકાવનારી માહિતી આપતા જણાવ્યું છે કે છેલ્લાં આઠ વર્ષમાં 4000 જેટલાં વિદેશમાં વસતા ભારતીયોએ આત્મહત્યા કરી છે. આમાં સૌથી વધુ આત્મહત્યાઓ યુનાઇટેડ આરબ અમિરાતમાં નોંધાયા છે.
વિદેશ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આકંડા પ્રમાણે વર્ષ 2014થી અત્યાર સુધીમાં છેલ્લા 8 વર્ષોમાં 4005 ભારતીયોએ વિદેશોમાં આત્મહત્યા કરી છે. સૌથી વધારે 1122 આત્મહત્યાના કેસ અમીરાતમાં નોંધાયા છે. ત્યારબાદ સાઉદી અરેબિયામાં 1024 ભારતીય લોકોએ આત્મહત્યા કરી છે. કુવૈતમાં આ સંખ્યા 425 છે જ્યારે ઓમાનમાં 351, બહરીનમાં 180 અને કતરમાં 165 ભારતીયોએ આત્મહત્યા કરી છે. બીજી તરફ મલેશિયામાં 254, ઈટાલીમાં 65, ઓસ્ટ્રેલિયામાં 33, કેનેડામાં 30 અને અમેરિકામાં 19 ભારતીયોએ આત્મહત્યા કરી છે.

વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આત્મહત્યા અથવા હત્યાની મોટાભાગની ઘટનાઓ કથિત રીતે વ્યક્તિગત કે પારિવારિક કારણોસર બની છે. રિપોર્ટ પ્રમાણે આ દેશોમાં ભારતીયો સતત દબાણમાં કામ કરે છે. આ કારણે પણ આત્મહત્યાની ઘટનાઓ વધી રહી છે. જોકે, વિદેશ મંત્રાલય, મિશન અને કેન્દ્રો ખાસ કરીને ભારતીય કામદારોની સુખાકારીને પ્રાથમિકતા આપે છે અને ફરિયાદોનું તાત્કાલિક નિવારણ કરવામાં આવે છે.

ભારતીય વિદેશ મંત્રાલય તરફથી ભારતીય પ્રવાસીઓની મદદ માટે પ્રવાસી ભારતીય સહાયતા કેન્દ્ર (PBSK) શરૂ કરવામાં આવ્યું છે. ભારતીય અધિકારીઓ વિદેશોમાં ભારતીયો સમક્ષ આવતી મુશ્કેલીઓને ઓછી કરવા અને તેનું સમાધાન કરવા માટે સક્રિય રૂપથી કામ કરે છે. સરકાર વિદેશોમાં ભારતીય નાગરિકોની ફરિયાદો દૂર કરવા માટે પહલ નામની ઓલનાઈન પોર્ટલ પણ સંચાલિત કરે છે. ભારતીય નાગરિકોની સમસ્યાઓ દૂર કરવા માટે વદેશી મિશન અને કેન્દ્રોમાં દિવસ-રાત હેલ્પલાઈન સેવા ચલું રહે છે. તેના માટે ઓપન હાઉસ આયોજિત કરવામાં આવે છે.