Pardip Dass (L) with Sukh Chamdal

પુત્રીએ પોતાના જન્મદિવસની કેકમાં “મૃત ચિકન” જોઈતી ન હોવાનું કહ્યા બાદ ઇંડા વગરની બેકરી ફ્રેન્ચાઇઝી ‘કેક બોક્સ’ની સ્થાપના કરનાર કેક બોક્સના માલિક સુખ ચામડાલે એસેક્સના ડેબડેન હોલમાં આવેલ વૂડલેન્ડમાં પોતાના મેન્શન માટે  ગેરકાયદેસર રીતે 132 વૃક્ષોનો નાશ કરવાના આરોપમાં દોષિત ન હોવાની કબૂલાત કરી છે.

એગ-ફ્રી કેક બોક્સના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ ચામડાલ, અન્ય ચાર પ્રતિવાદીઓ સાથે 22 જૂનના રોજ ચેમ્સફર્ડ મેજિસ્ટ્રેટની કોર્ટમાં હાજર થયા હતા. સ્થાનિક એપીંગ ફોરેસ્ટ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જો તેઓ દોષિત ઠરશે તો 61 વર્ષીય ચામડાલને અમર્યાદિત દંડનો સામનો કરવો પડી શકે છે અને તમામ વૃક્ષોને ફરીથી વાવવા પડશે.

માનવામાં આવે છે કે 9,000 ચોરસ ફૂટના વૂડલેન્ડમાં ફેલાયેલ મેન્શનની તૈયારી માટે માર્ચ 2021માં એક પખવાડિયામાં બધા વૃક્ષો કાપવામાં આવ્યા હતા. જેને કાપવા પર સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા વિવિધ પ્લાનિંગ અધિનિયમો હેઠળ પ્રતિબંધ કરાયો છે.

લંડન સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થયેલ ફ્રેન્ચાઈઝી બિઝનેસની શરૂઆત 13 વર્ષ પહેલા £20,000ની બિઝનેસ ગ્રાન્ટ સાથે કરાઇ હતી. હાલમાં તેમના ફ્રેન્ચાઇઝી બિઝનેસમાં 205 દુકાનો છે અને ગયા અઠવાડિયે 5.6 ટકાના વાર્ષિક વધારા સાથે રેવન્યુ £35 મિલિયન થઇ હતી. કંપનીના પ્રવક્તાએ આ કાર્યવાહી પર ટિપ્પણી કરી નથી.

LEAVE A REPLY

9 + fifteen =