સુનિલ ચોપરા, મેયર, સધર્ક કાઉન્સિલ

દિલ્હીમાં જન્મેલા સધર્કના લેબર કાઉન્સિલર સુનીલ ચોપરા ફરી એક વખત લંડન બરો ઓફ સધર્કના મેયર તરીકે ચૂંટાઇ આવ્યા છે શનિવારે તા. 21ના રોજ સેન્ટ્રલ લંડનમાં સધર્ક કેથેડ્રલ, મોન્ટેગ્યુ ક્લોઝ ખાતે તેમણે મેયર તરીકે સેવા આપવા માટે શપથ લીધા હતા.

લેબર પાર્ટીએ શ્રી ચોપરાના નેતૃત્વ અને પક્ષના સભ્યોના સમર્થન હેઠળ દાયકાઓ સુધી વિપક્ષ પાસે રહેલા લંડન બ્રિજ અને વેસ્ટ બર્મન્ડસી બેઠકો પર લિબરલ ડેમોક્રેટ્સ સામે વિજય મેળવ્યો હતો. માત્ર 2% ભારતીય સમુદાયની વસ્તી ધરાવતા લંડનના સૌથી જૂના બરોમાંના એક સધર્કમા પ્રતિષ્ઠિત મેયર પદ માટે મળેલી અસાધારણ જીત શ્રી ચોપરાની સખત મહેનત, લોકપ્રિયતા અને રાજકીય અનુભવનું પરિણામ છે. જે ભારત, યુકે અને વિદેશમાં રહેતા ભારતીયો માટે ખૂબ જ ગર્વની વાત છે.

શ્રી ચોપરાએ 2010માં યુકેના રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને 2014માં પ્રથમ વખત લંડન બરો ઓફ સધર્કના મેયર તરીકે ચૂંટાયા હતા. તેમણે ત્રણ વખત ડેપ્યુટી મેયર તરીકે પણ સેવા આપી છે.

તેઓ અભ્યાસ દરમિયાન 1972માં કૉલેજ ઑફ વોકેશનલ સ્ટડીઝ, દિલ્હી યુનિવર્સિટીના પ્રથમ પ્રમુખ બન્યા હતા. 1973-74માં એલએલ.બી.ના અભ્યાસ દરમિયાન તેઓ દિલ્હી યુનિવર્સિટીમાં સર્વોચ્ચ કાઉન્સિલરનું પદ સંભાળતા હતા. પાછળથી, તેઓ નવી દિલ્હી માટે NSUI (નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા)ના પ્રમુખ બન્યા હતા. તેમના સમકાલિનોમાં વિજય ગોયલ, અરુણ જેટલી, આનંદ શર્મા અને રજત શર્મા હતા.

1979માં, યુકે ગયા પછી, તેમણે રિટેલ એન્ટરપ્રાઈઝ શોપ દ્વારા બાળકોના વસ્ત્રો અને બાળકોના ઉત્પાદનોના જથ્થાબંધ બિઝનેસને ડેવલપ કર્યો હતો. સાથોસાથ, તેમણે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સામુદાયિક કાર્યનું આયોજન કરીને હંમેશા ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાની તક ઝડપી લીધી હતી. તેઓ સધર્ક હિન્દુ સેન્ટરના સહ-સ્થાપક અને સ્થાપક ટ્રસ્ટી છે. તેઓ ઘણા વર્ષોથી ટ્રસ્ટનું પ્રમુખપદ સંભાળે છે.

મેયર મેકીંગ સેરેમનીમાં, શ્રી ચોપરાએ બે સખાવતી સંસ્થાઓ કિંગ્સ કોલેજ હોસ્પિટલ ચેરિટી અને બ્લાઇન્ડએઇડને દત્તક લેવાની જાહેરાત કરી હતી. તેઓ સધર્કને સ્થાનિક અને વૈશ્વિક સ્તરે પ્રમોટ કરવા ઉત્સુક છે અને વિવિધ સમુદાયોને એક સાથે લાવવા માટે ઉત્સાહી છે. તેઓ સમાનતા, સામાજિક ન્યાય અને બધા માટે સન્માનમાં માને છે. તેઓ એનજીઓ, ચેરિટેબલ સંસ્થાઓ સાથે કામ કરવા માટે ખૂબ જ ઉત્સુક છે.