સુપ્રીમ કોર્ટે ગુજરાતના 2002ના રમખાણો પછી નિર્દોષ લોકોને ફસાવવા માટે પુરાવામાં ચેડા કરવાના કેસમાં બુધવારે કથિત સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડના રેગ્યુલર જામીન મંજૂર કર્યા હતા. કોર્ટે ગોધરાકાંડ પછીના રમખાણોના સાક્ષીઓને પ્રભાવિત ન કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના 1 જુલાઈના આદેશને રદ કર્યો હતો, જેમાં તિસ્તાને તાત્કાલિક આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યું હતું.
તિસ્તા પર રમખાણોના કેસમાં નકલી દસ્તાવેજો બનાવવા અને સાક્ષી બનાવવાનો આરોપ છે. કોર્ટે કહ્યું કે આ કેસમાં તિસ્તા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. તેથી કસ્ટોડિયલ પૂછપરછની જરૂર નથી. તિસ્તા સેતલવાડ પર 2002ના ગુજરાત રમખાણોને લગતા કેસોમાં નિર્દોષ લોકોને ફસાવવા માટે પુરાવા બનાવવાનો આરોપ છે. ગયા વર્ષે 25 જૂને સેતલવાડની ધરપકડ કરવામાં આવી હતી. તેને સાત દિવસના પોલીસ રિમાન્ડમાં રાખવામાં આવી હતી અને 2 જુલાઈએ તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવી હતી.

            











