REUTERS/Anushree Fadnavis

ભારતની સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયાધીશોની બંધારણીય ખંડપીઠે મંગળવારે સર્વસંમતિથી સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવાનો ઇનકાર કર્યો હતો, અને જણાવ્યું હતું કે આવા લગ્નને માન્યતા આપવા માટે કાયદામાં ફેરફાર કરવો તે સંસદના દાયરામાં આવે છે.

જોકે ન્યાયાધીશોએ કેન્દ્ર સરકારને સમલૈંગિક યુગલોની વ્યવહારિક ચિંતાઓ, જેમ કે રાશન કાર્ડ, પેન્શન, ગ્રેચ્યુઈટી અને ઉત્તરાધિકારના મુદ્દાઓ વગેરેની વિચારણા કરવા એક સમિતિની રચના કરવાનું સૂચન કર્યું હતું. અગાઉ કેન્દ્ર સરકારે આવી સમિતિ રચવાની કોર્ટમાં રજૂઆત કરી હતી.

સર્વોચ્ચ અદાલતે LGBT (લેસ્બિયન, ગે, બાયોસેક્યુઅલ અને ટ્રાન્સજેન્ડર) લોકો અને તેમના રક્ષણ માટે એકસમાન અધિકારોને માન્યતા આપી હતી તથા તેઓ ભેદભાવનો શિકાર ન બને તે માટે સામાન્ય જનતાને સંવેદનશીલ બનાવવાની અપીલ કરી હતી. મુખ્ય ન્યાયાધીશે પોલીસને ક્વીર કપલના સંબંધો અંગે તેમની સામે એફઆઈઆર નોંધતા પહેલા પ્રાથમિક તપાસ કરવા આદેશ આપ્યો હતો.

કોર્ટે ચાર અલગ અલગ ચુકાદા આપ્યા હતા. ચારેય ચુકાદામાં સર્વસંમતી ઠેરવ્યું હતું કે સમલૈંગિક યુગલો લગ્નને બંધારણ હેઠળ મૂળભૂત અધિકાર માની શકે નહીં. મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે કેન્દ્ર સરકારના એવા વલણની ટીકા કરી હતી કે સમલૈંગિક લગ્નની કાનૂની માન્યતા માટેની અરજીઓ શહેરી ભદ્વ વર્ગના ખ્યાલને પ્રતિબિંબિત કરે છે. કોર્ટે જણાવ્યું હતું કે સમલૈગિંક સંબંધો શહેરી કે ભદ્વ વર્ગ પૂરતા સીમિત નથી.

સુપ્રીમ કોર્ટમાં સમલૈંગિક લગ્નને કાનૂની મંજૂરી માંગતી આશરે 21 અરજીઓ થઈ હતી અને તેના પર સુપ્રીમ કોર્ટે આ ચુકાદા આપ્યાં છે. આ અરજીઓમાં સમલૈંગિક લગ્નની કાનૂની માન્યતા ઉપરાંત દત્તક લેવાના અધિકારો, શાળાઓમાં માતાપિતા તરીકે નોંધણી, બેંક ખાતા ખોલવા અને ઉત્તરાધિકાર અને વીમા લાભો મેળવવાની વગેરેની માગણી કરાઈ હતી. જોકે સર્વોચ્ચ અદાલતે આ તમામ બાબતો સંસદ પર છોડી દીધી છે. કોર્ટેની ખંડપીઠમાં LGBT કપલ માટે બાળક દત્તક લેવાના મુદ્દે અલગ અલગ અભિપ્રાય આપ્યાં હતા.

CJIએ જણાવ્યું હતું કે કોર્ટ કાયદો બનાવી શકતી નથી પરંતુ માત્ર તેનું અર્થઘટન કરી શકે છે અને સ્પેશિયલ મેરેજ એક્ટમાં ફેરફાર કરવાનું કામ સંસદનું છે. બંધારણ લગ્નને મૂળભૂત અધિકાર તરીકે માન્યતા આપી શકે નહીં.

 

LEAVE A REPLY

8 − four =