બિલીયોનેર હોટેલિયર અને ઉદ્યોગસાહસિક સુરિન્દર અરોરાએ હીથ્રોના વિસ્તરણની યોજનામાં ડેવલપમેન્ટ બિડ સાથે આગળ વધવા માટે યુએસ એન્જિનિયરિંગ જાયન્ટ બેક્ટેલ સાથે જોડાણ કર્યું છે. શ્રી અરોરા આ હરીફ દરખાસ્તનું નેતૃત્વ કરી રહ્યા છે.
એવિએશન મિનિસ્ટર માઈક કેને ગયા અઠવાડિયે સરકાર ત્રીજો રનવે બનાવવા માટે વૈકલ્પિક બિડ માટે ખુલ્લી છે તેવી જાહેરાત કર્યા બાદ સુરિન્દર અરોરા પ્રોજેક્ટ માટે યોજનાઓ બનાવી રહ્યા છે.
હીથ્રો વિસ્તારના સૌથી મોટા જમીન – મિલ્કત માલિક શ્રી અરોરાએ જણાવ્યું હતું કે “સરકારે આ સમરમાં સબમિશન માંગ્યા છે અને અમે ત્યાં હાજર રહીશું. આ બરાબર તે જ છે જે અમે માંગી રહ્યા હતા. અમે અગાઉ 2018માં વિસ્તરણ બિડનું નેતૃત્વ કર્યું હતું અને કહ્યું હતું કે અમે હીથ્રો પર 32%થી 34% સસ્તી સેવા આપી શકીએ છીએ. અમે કોઈ શંકા વિના બધું જ પૂરું પાડી શકીએ છીએ. અમે તેને હીથ્રો એરપોર્ટ લિમિટેડ કરતા સસ્તું બનાવીશું. આનાથી એરલાઇન્સ અને મુસાફરોને પસંદગી કરવાની તક મળશે.”
શ્રી અરોરાએ સંકેત આપ્યો હતો કે તેમણે પ્રોજેક્ટ પર કામ કરવા માટે સેંકડો સલાહકારોની નોંધણી કરી છે, જેમાં ટૂંકા ત્રીજા રનવે માટેની યોજનાઓનો સમાવેશ થઈ શકે છે. જોકે, તેમણે પોતાનો પ્રસ્તાવ રજૂ કરતા પહેલા એરલાઇન્સ શું ઇચ્છે છે તે સાંભળવાનું વચન આપ્યું છે.
ગયા અઠવાડિયે દિલ્હીમાં IATA ઉદ્યોગ મેળાવડામાં બોલતા એક મુખ્ય કેરિયરના વડાએ જણાવ્યું હતું કે પૂર્ણ-સ્તરીય યોજના માટે નવીનતમ ખર્ચ માટે ટિકિટના ભાવમાં £75 થી £100નો વધારો કરવાની જરૂર પડશે.
