સુર્યકુમાર યાદવ (ફાઇલ ફોટો) (Photo by Surjeet Yadav/Getty Images)

ભારતે ઇંગ્લેન્ડ સામેની ત્રણ વન-ડે મેચની સીરીઝ માટેની ટીમમાં બે નવા ચહેરા – સૂર્યકુમાર યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણાનો સમાવેશ કર્યો છે. ઉપરાંત રોહિત શર્મા, રીષભ પંત, ક્રૃણાલ પંડયા, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ સિરાજ પણ પુણેમાં ખાલી સ્ટેડિયમમાં રમાનારી સીરીઝમાં રમશે. આ ત્રણ મેચ ૨૩, ૨૬ અને ૨૮મી માર્ચે રમાશે.

સૂર્યકુમારે ચોથી ટી-20માં પોતાની પહેલી જ મેચમાં શાનદાર દેખાવ કરતાં તેનો વન-ડે ટીમમાં સમાવેશ કરાયો છે. તો પ્રસિદ્ધ કૃષ્ણા નવો ચહેરો છે. તે કર્ણાટકનો ફાસ્ટ બોલર છે. ભારત છેલ્લે ગયા વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયા સામે વન-ડે રમ્યું હતું. તે વખતની ટીમના મયંક અગરવાલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મનિષ પાંડે, નવદીપ સૈની અને સંજુ સેમસનને આ ટીમમાં તક નથી અપાઈ. બુમરાહે લગ્નના લીધે રજા લીધી છે.

ભારતીય ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, શુભમન ગિલ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડયા, રીષભ પંત (વિકેટકીપર), કે. એલ. રાહુલ (વિકેટકીપર), યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, કૃણાલ પંડયા, વોશિંગ્ટન સુંદર, ટી. નટરાજન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને શાર્દૂલ ઠાકુર.