Suryakumar Yadav broke the record of D'Villiers
(ANI Photo)

શનિવારે (7 જાન્યુઆરી) રાજકોટમાં અનેક નવા રેકોર્ડ્સ નોંધાયા હતા અને ભારતે શ્રીલંકા સામે ઘરઆંગણે સીરીઝ નહીં હારવાનો પોતાનો વર્ષોનો રેકોર્ડ પણ 91 રને ધમાકેદાર વિજય સાથે જાળવી રાખ્યો હતો. પ્રવાસી ટીમ સામેની ત્રણ ટી-20 મેચની સીરીઝમાં પહેલી મેચમાં મુંબઈમાં ભારતનો ફક્ત બે રને વિજય થયો હતો, તો પૂણે ખાતે રમાયેલી બીજી મેચમાં શ્રીલંકાનો રસાકસીભર્યા જંગમાં 16 રને વિજય થયો હતો. પણ ત્રીજી અને છેલ્લી મેચમાં ભારતના સૂર્યકુમાર યાદવના ઝંઝાવાત સામેનો પડકાર શ્રીલંકા માટે ખૂબજ કપરો બની ગયો હતો અને ટીમ 17મી ઓવરમાં ફક્ત 137 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ભારતે પહેલા બેટિંગ કરતાં પાંચ વિકેટે 228 રન ખડકી દીધા હતા, જેના પગલે હાર્દિક પંડ્યાની ટીમ 91 રનના જંગી માર્જીનથી વિજેતા બની હતી. સૂર્યકુમારને પ્લેયર ઓફ ધી મેચ તથા સ્પિનર ઓલરાઉન્ડર તરીકે ઉભરી રહેલા અક્ષર પટેલને પ્લેયર ઓફ ધી સીરીઝ જાહેર કરાયા હતા. 

સૂર્યકુમારે ફક્ત 45 બોલમાં સદી અને 51 બોલમાં અણનમ 112 રન ભારતના જંગી સ્કોરમાં મુખ્ય ભૂમિકા અદા કરી હતી. તેણે 9 છગ્ગા અને 7 ચોગ્ગા મેદાનની ચોતરફ ફટકારી તેના ચાહકો, પ્રેક્ષકોને ખુશ કરી દીધા હતા. આ મેચમાં જ પોતાની કારકિર્દીનો આરંભ કરનારા રાહુલ ત્રિપાઠીએ પણ પ્રભાવશાળી દેખાવ સાથે 16 બોલમાં 35 રન કર્યા હતા. બીજા છેડે ઓપનર શુભમન ગિલ પણ બરાબર રમતો હતો. તેણે 36 બોલમાં 46 કર્યા હતા, તો છેલ્લે અક્ષર પટેલ 9 બોલમાં 21 રન કરી અણનમ રહ્યો હતો. 

શ્રીલંકાએ પાંચ બોલર્સ અજમાવ્યા હતા અને રજીથા ચાર ઓવર, એક મેઈડન, 35 રન અને એક વિકેટ સાથે સૌથી કિફાયત તથા હસરંગા 36 રન આપી એક વિકેટ કિફાયત રહ્યો હતો, તે સિવાયના તમામ બોલર્સે 12 કે તેથી વધુની એવરેજથી રન આપ્યા હતા. 

શ્રીલંકા શરૂઆતથી જ દેખિતી રીતે 11 રનથી વધુની એવરેજના ટાર્ગેટના કારણે દબાણ હેઠળ હતું અને તેણે પ્રમાણમાં સારી શરૂઆત કર્યા છતાં એકવાર પહેલી વિકેટ ગુમાવી તે પછી ભારતીય બોલર્સે નિયમિત અંતરે તેની વિકટો ખેરવતા રહી તેના બેટર્સને બરાબર ભીંસમાં લીધા હતા. 44 રને પહેલી વિકેટ પડ્યા પછી ટીમ એનાથી વધુ મોટી ભાગીદારી કરી શકી નહોતી અને 17મી ઓવરમાં તો તમામ ખેલાડીઓ પેવેલિયન ભેગા થઈ ગયા હતા. 

વિકેટ કીપર બેટ્સમેન કુશલ મેન્ડીસ અને સુકાની શનાકાએ 23-23 રન કરી સૌથી સ્કોર નોંધાવ્યો હતો, તો છ બેટર્સ એક આંકડાના સ્કોરે જ આઉટ થઈ ગયા હતા. ભારત તરફથી શિવમ માવી એવો બોલર હતો કે તેને ફક્ત એક જ ઓવર કરવાની તક મળી હતી, જ્યારે સુકાની હાર્દિક પંડ્યા એક જ બોલર એવો હતો કે જેણે તેનો ચાર ઓવર્સનો ક્વોટા પુરો કર્યો હતો. બીજી મેચના બહુ વગોવાયેલા બોલર – ઓછા અનુભવી અર્શદીપ સિંઘે 20 રનમાં ત્રણ, પંડ્યા-ઉમરાન-ચહલે બે-બે વિકેટ લીધી હતી. 

બીજી ટી-20માં ભારતનો 16 રને પરાજયઃ પૂણેમાં ગુરૂવારે રમાયેલી બીજી ટી-20માં શ્રીલંકાએ 6 વિકેટે 206 રન ખડકી દીધા હતા. મેન્ડીસે 52, સુકાની શનાકાએ અણનમ 56 તથા અસલંતાએ 37 કર્યા હતા, તો ઓપનર નિસંકાએ 33 કર્યા હતા. 

તેના જવાબમાં ભારતના મોખરાના બેટર્સ નિષ્ફળ રહ્યા હતા. સૂર્યકુમાર યાદવે 51, અક્ષર પટેલે 65 તથા નવોદિત શિવમ માવીએ 25નો કિમતી ફાળો આપ્યા છતાં ટીમ 8 વિકેટે 190 રન સુધી જ પહોંચી શકી હતી. 16મી ઓવરમાં સૂર્યકુમાર આઉટ થયા પછી જંગ કપરો લાગતો હતો ત્યારે શિવમ માવીએ પણ થોડી ચમક બેટિંગમાં બતાવી હતી પણ છેલ્લી બે ઓવરમાં ભારતની પકડમાંથી મેચ સરકી ગઈ હતી. 

પ્રથમ ટી-20માં ભારતનો બે રને રોમાંચક વિજયઃ મુંબઈમાં મંગળવારે (3 જાન્યુઆરી) રમાયેલી પ્રથમ ટી-20માં ભારતનો છેલ્લા બોલે, ફક્ત બે રનથી રોમાંચક વિજય થયો હતો. આ મેચનો હીરો નવોદિત બોલર શિવમ માવી રહ્યો હતો. ભારતે પહેલા બેટિંગ કરતા પાંચ વિકેટે 162 રન કર્યા હતા, જેમાં દીપક હુડાના અણનમ 41, ઓપનર ઈશાન કિશનના 37, અક્ષર પટેલના અણનમ 31 અને હાર્દિક પંડ્યાના 29 રન મુખ્ય હતા. શ્રીલંકા તરફથી પાંચ બોલર્સને એક-એક વિકેટ મળી હતી. 

જવાબમાં શ્રીલંકાએ સારી ટક્કર આપી હતી, પણ વિજય હાથવેંતમાં લાગતો હતો ત્યારે તેના છેલ્લા બે બેટર્સ છેલ્લી ઓવરમાં વિજયી રનની ઉત્તેજનામાં રન-આઉટ થયા હતા અને એ રીતે ટીમ છેલ્લા બોલે ઓલઆઉટ થઈ ગઈ હતી. પોતાની પ્રથમ મેચ રમતા શિવમ માવીએ 22 રનમાં ચાર વિકેટ ઝડપી હતી, જેમાં ટોપ ઓર્ડરના બે બેટર્સનો પણ સમાવેશ થતો હતો. 

LEAVE A REPLY

20 − 15 =