પ્રતિકાત્મક તસવીર (istockphoto)

વડોદરમાંથી પોતાના ઘરેથી 49 દિવસથી ગુમ થયેલી સ્વીટી પટેલ કેસ આખરે ઉકેલાઈ ગયો હોવાનો શનિવારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે દાવો કર્યો હતો. પોલીસને પહેલાથી જ જેના પર શંકા હતી તે સ્વીટીનો પતિ પોલીસ ઈન્સ્પેક્ટર અજય દેસાઈ જ આ કેસમાં હત્યાનો આરોપી નીકળ્યો છે. અજય દેસાઈએ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ સમક્ષ કબૂલી લીધું છે કે તેણે જ ઘરમાં સ્વીટી પટેલનું ગળું દબાવીને હત્યા કરી હતી અને ત્યારબાદ તેની લાશને દહેજ નજીકના અટારી ગામમાં આવેલી અવાવરું બિલ્ડિંગમાં સળગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, અહીંથી જ પોલીસને સળગેલાં હાડકાં મળ્યા હતા.

આ કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સોંપાયા બાદ અજય દેસાઈના ઘરમાં તાજેતરમાં તપાસ કરાઈ હતી, જ્યાં બાથરુમમાંથી લોહીના ડાઘા મળ્યા હતા. આ દરમિયાન જ અજય દેસાઈએ નાર્કો ટેસ્ટ માટે ઈનકાર કરી દેતા તેના પર શંકા વધુ મજબૂત થઈ હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે અજય દેસાઈએ પોતાની કબૂલાતમાં જણાવ્યું છે કે સ્વીટી ઊંઘમાં હતી ત્યારે જ તેની ગળું દબાવીને હત્યા કરી દીધી હતી, અને બાદમાં લાશને પોતાની ગાડીમાં મૂકી મૂકીને પોતાના પરિચિતના ફાર્મ હાઉસમાં લઈ ગયા હતા ત્યાંથી અટારી ગામ નજીકની અવાવરું બિલ્ડિંગ પાસે લાશને સળગાવી દેવાઈ હતી.

સ્વીટી અને અજય દેસાઈ સાથે રહેતાં હતાં, તેમને બે વર્ષનો દીકરો હતો પરંતુ તેઓ કાયદેસરના પતિ-પત્ની નહોતા. પીઆઈ દેસાઈએ સ્વીટી સાથે માત્ર ફુલહાર કર્યા હતા અને સમાજના રીતરિવાજ અનુસાર બીજી યુવતી સાથે લગ્ન કર્યા હતા. સ્વીટી અજય દેસાઈને પોતાની કાયદેસરની પત્ની બનાવવા માટે સતત દબાણ કરતી હતી, જેને કારણે બંને વચ્ચે ઝઘડા થતા હતા. સ્વીટી ગુમ થઈ તેની આગલી રાતે પણ બંને વચ્ચે ઝઘડો થયો હોવાનું અગાઉ બહાર આવ્યું હતું.અજય દેસાઈના પરિચયમાં આવ્યા પહેલા સ્વીટી પટેલના બે વાર લગ્ન થઈ ચૂક્યા હતા. અજય દેસાઇના પણ આ બીજા લગ્ન હતા.