તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારો શૈલેષ લોઢા (ડાબી બાજુ), ગુરુચરણ સિંહ, દિલીપ જોશી (મધ્ય), મયૂર વાકાણી અને દિશા વાકાણી (ફાઇલ ફોટો) Photo by SAM PANTHAKY/AFP via Getty Images)

જાણીતા ટેલિવિઝન શો તારક મેહતા કા ઊલ્ટા ચશ્મામાં દયાબેનના રોલમાં નવી અભિનેત્રી જોવા મળશે. ઘણા સમય અગાઉ એવી વાત બહાર આવી હતી દિશા વાકાણી ફરીથી દયાબેનની ભૂમિકા ભજવશે, પરંતુ તેમને ત્યાં પુત્રનો જન્મ થયો હોવાથી તેઓ આ રોલ નહીં કરે તેવું લાગી કરે તેવું માનવામાં આવે છે. શોના પ્રોડ્યુસર અસિત મોદીએ કન્ફર્મ કર્યું છે કે, ગોકુલધામમાં દયાબેન પાછા આવી રહ્યા છે, પરંતુ દિશા વાકાણી જોવા નહીં મળે.

દિશા વાકાણીનું રીપ્લેસમેન્ટ શોધવા માટે ઓડિશન ચાલી રહ્યા છે અને દયાબેનના કેરેક્ટર માટે અભિનેત્રીનું સિલેક્શન ટૂંક સમયમાં થઈ જશે.  ટીવી શોના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક પ્રોમો શેર થયા છે. એક પ્રોમોમાં દયાબેનનો ભાઈ સુંદર જેઠાલાલ સાથે ફોન પર વાત કરે છે. સુંદર તેમને ખાતરી આપે છે કે, તે દયાબેનને ગોકુલધામ સોસાયટીમાં લાવશે. પહેલા બે દિવસમાં દયાબેનને પાછા લાવવાની વાત કરે છે, પરંતુ બાદમાં સુંદરનો પ્લાન ડીલે થાય છે. પ્રોમો બાદ આ શોના ફેન્સ દિશા વાકાણીને જ દયાબેન બનાવવા માગી રહ્યા છે. દયાબેનને ફરી સિરિયલમાં બતાવવાની તૈયારીઓની વચ્ચે પ્રોડ્યુસર અસિત મોદીએ જણાવ્યું હતું કે, દયાબેનનું કેરેક્ટર પાછું આવશે, પરંતુ તે દિશા વાકાણી નહીં હોય. દિશાના રીપ્લેસમેન્ટ માટે નવી એક્ટ્રેસની શોધ ચાલી રહી છે. મેરેજ બાદ દિશાએ બ્રેક લીધો હતો અને પછી બાળકને ઉછેરવા બ્રેક લંબાવ્યો હતો. જો કે તેમણે  ક્યારેય શો છોડ્યો ન હતો. દરમિયાન કોરોના આવ્યો અને શૂટિંગ બંધ થયાં. ફરી શૂટિંગ શરૂ થયા, પરંતુ દિશાએ પેન્ડેમિકની બીકથી શૂટિંગ શરૂ કરવાની ના પાડી. આખરે દિશા વાકાણીનું રીપ્લેસમેન્ટ કરવાનો નિર્ણય લેવાયો છે.

બીજી તરફ હવે એવું પણ કહેવાય છે કે, ટપુનું પાત્ર ભજવનાર રાજ અનડકટ પણ આ શો છોડી રહ્યો છે. મીડિયા રીપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે રાજ અનડકટ હવે આ શોમાં જોવા નહીં મળે. જોકે, તે થોડા દિવસો પહેલાથી જ શોમાં દેખાયો નથી. જોકે, શોના નિર્માતા તરફથી આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. અત્યારે આ બાબતોને માત્ર અફવા તરીકે જોવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ટપુની ભૂમિકા ભવ્ય ગાંધી ભજવી રહ્યો હતો, પરંતુ 9 વર્ષ પછી તેણે આ શોને છોડી દીધો હતો. તે 2008થી 2017 સુધી દર્શકોને હસાવતો હતો, પરંતુ 2017 પછી આ ભૂમિકા રાજ અનડકટે ભજવી હતી.