પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ભારત સરકારે નાણાભીડનો સામનો કરી રહેલા ટેલિકોમ ક્ષેત્ર માટે રાહત પેકેજની સાથે ધરખમ સુધારાની બુધવાર, 16 સપ્ટેમ્બરે જાહેરાત કરી હતી. આ ક્ષેત્રમાં સરકારે ઓટોમેટિક રૂટ હેઠળ 100 ટકા સીધા વિદેશી રોકાણ (એફડીઆઇ)ની મંજૂરી આપી છે. આમ હવે વિદેશી રોકાણ માટે સરકાર કે રિઝર્વ બેન્કની મંજૂરી લેવી પડશે નહીં. સરકારે ટેલિકોમ ક્ષેત્રને તમામ સરકારી ચુકવણીમાં મોરેટોરિયમની જાહેરાત કરી હતી. સરકારના પગલાંથી વોડાફોન આઇડિયાને સૌથી વધુ લાભ થવાની ધારણા છે.

વોડાફોનને સૌથી વધુ લાભ થવાની ધારણા

કેન્દ્રીય કેબિનેટે બુધવારે ટેલિકોમ સેક્ટરમાં 100% વિદેશી રોકાણને મંજૂરી આપી છે. ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું કે હતું સરકારે ઓટોમેટિક રૂટ થકી ક્ષેત્રમાં 100% સીધા વિદેશી રોકાણ(FDI)ને મંજૂરી આપી છે. બજાર વિશ્લેષકોનું માનવું છે કે આ નિર્ણયનો સૌથી વધુ ફાયદો નાણાભીડનો સામનો કરી રહેલી વોડાફોન-આઈડિયાને થશે. તેનાથી બ્રિટનની કંપની વોડાફોન ભારત ખાતેના તેના આ સાહસમાં ભવિષ્યમાં સ્થિતિ સુધરતા નવું રોકાણ કરવા આગળ આવી શકે છે અથવા અન્ય કંપનીઓ પણ રોકાણ માટે આગળ આવી શકે છે.

વૈષ્ણવે કહ્યું હતું કે ટેલિકોમ સેક્ટર માટે 9 માળખાગત સુધારા અને 5 પ્રોસેસ સુધારા નક્કી કરવામાં આવ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે એજીએઆરની ચૂકવણી માટે 4 વર્ષનો મોરેટોરિયમ આપવામાં આવશે. એજીઆરની વ્યાખ્યાને સરળ કરીને માત્ર ટેલિકોમ આવકને જ ગણતરીમાં લેવાશે. સરકાર નોન ટેલિકોમ આવકને એડજ્સ્ટેડ ગ્રોસ રેવન્યુ ગણવામાં નહીં આવે.

ટેલિકોમ પ્રધાને કહ્યું કે લાયસન્સ ફી, સ્પેકટ્રમ યુઝર્સ ચાર્જિસ અને અન્ય ચાર્જિસ પર વ્યાજ, પેનલ્ટી અને વ્યાજ પરની પેનલ્ટીના ધારાધોરણોને પણ હળવા કરવામાં આવશે. માસિક ચક્રવૃદ્ધિને બદલે હવે વાર્ષિક વ્યાજ સહિતની ગણતરી કરવામાં આવશે. સૌથી મોટી જાહેરાત કરતા પ્રધાને જણાવ્યું હતું કે કે ટેલિકોમ કંપનીઓને એમસીએલઆરના +2 ટકા વ્યાજે લોન આપવામાં આવશે. આ સિવાય પેનલ્ટી સંપૂર્ણપણે માફ કરવામાં આવશે. આ તમામ ફેરફાર 1લી ઓક્ટોબરથી લાગુ થશે. આ સિવાય 4 વર્ષ બાદ પણ સરકાર પાસે એજીઆરની બાકી ચૂકવણીને ઈક્વિટીમાં રૂપાંતરિત કરવાનો વિકલ્પ રહેશે. અન્ય સુધારા 5G સ્પેકટ્રમની ફાળવણી સમયે પણ કરવામાં આવશે.