ફાઇલ ફોટો (Photo by HANNAH MCKAY/POOL/AFP via Getty Images)

બ્રિટનને ઘણા વર્ષોના સૌથી મોટા આતંકવાદી ખતરાનો સામનો કરવો પડી રહ્યો છે એવી વડા પ્રધાન બોરિસ જૉન્સનને ગઈ કાલે રાત્રે ચેતવણી આપવામાં આવી હતી. જો અફઘાનિસ્તાનથી પશ્ચિમી દેશો તરફ થતા આતંકવાદી હુમલા અટકશે અને પશ્ચિમના દેશો પર હુમલો કરવા માટે ઇસ્લામીક આતંકવાદીઓને રોકવામાં તાલિબાન મદદ કરશે તો અમે તાલિબાન સરકારને રાજદ્વારી માન્યતા આપીશું એવી જોન્સને ઓફર કરી હતી.

ભૂતપૂર્વ સૈન્ય કમાન્ડરો, રાજદ્વારીઓ અને સાંસદોએ જણાવ્યું હતું કે તાલિબાને કાબુલ પર કબજો કર્યા બાદ બ્રિટન નોંધપાત્ર રીતે ઓછું સુરક્ષિત છે. વડાપ્રધાને આતંકવાદ સામે રક્ષણ માટે “આપણી પાસે રહેલી દરેક” રાજકીય, આર્થિક અને રાજદ્વારી બાબતનો ઉપયોગ કરવાનું વચન આપ્યું હતું.

જૉન્સને એક વીડિયો સંદેશમાં કહ્યું હતું કે ‘’જો કાબુલમાં નવું શાસન રાજદ્વારી માન્યતા ઇચ્છે છે તો તેણે અફઘાનિસ્તાનને ફરીથી વૈશ્વિક આતંક માટે ઇન્ક્યુબેટર બનતું અટકાવવું પડશે. અમે ઓસામા બિન લાદેનના આતંકવાદી નેટવર્કનો વિનાશ કર્યો હતો અને 20 વર્ષના લશ્કરી અભિયાન દરમિયાન જીવ ગુમાવનારા 457 બ્રિટિશ સૈનિકોના બલિદાનને અમે વ્યર્થ જવા દઇશું નહિ. છેલ્લા 20 વર્ષમાં અફઘાનિસ્તાનથી બ્રિટન અથવા અન્ય કોઈ પશ્ચિમી દેશ સામે કોઈ આતંકવાદી હુમલો થયો નથી”.

જૉન્સને કાબુલથી બે અઠવાડિયામાં 15,000 લોકોને બહાર કાઢવા માટે કઠોર પરિસ્થિતિમાં ચોવીસ કલાક કામ કરનાર પ્રસ્થાન બ્રિટિશ સૈનિકો અને અધિકારીઓની પ્રશંસા કરી હતી.

તેમના શબ્દોને જોતાં લંડનમાં તાલિબાન દૂતાવાસની સંભાવના વધારે લાગે છે. જો કે તે નવી સરકારની રચના પછી જી-7 સાથીઓ સાથે સંયુક્ત અભિગમના ભાગરૂપે જ થશે.

બ્રિટનની મુખ્ય પ્રારંભિક માંગ એ છે કે તાલિબાન હજારો શરણાર્થીઓને અફઘાનિસ્તાનમાંથી સલામત રીતે બહાર જવા દે. તાલિબાનના સારા વર્તનને પ્રોત્સાહન આપવા માટે સહાયનો ઉપયોગ કરવામાં આવશે.

અફઘાનિસ્તાનમાં બ્રિટીશ રાજદૂત સર લૌરી બ્રિસ્ટો ઓક્સફર્ડશાયરમાં આરએએફ બ્રિઝ નોર્ટન ખાતે પરત થયા હતા અને તેમણે શક્ય તેટલી વહેલી તકે દૂતાવાસ ફરીથી ખોલવાનું અને “છેલ્લા 20 વર્ષનાં લાભોનું રક્ષણ કરવા માટે શક્ય તેટલું બધું કરવાનું” વચન આપ્યું હતું.

અફઘાનિસ્તાનમાં બ્રિટિશ સૈનિકોના ભૂતપૂર્વ કમાન્ડર કર્નલ રિચાર્ડ કેમ્પે કહ્યું હતું કે ‘’યુકેએ ઇસ્લામિક સ્ટેટના આતંકવાદના સૌથી મોટા ખતરાનો સામનો કરવો પડ્યો હતો. તાલિબાન અફઘાનિસ્તાનની ધરતી પરથી પશ્ચિમ વિરુદ્ધની લડતનું આયોજન, મળવા, તૈયાર કરવા, તાલીમ આપવા માટે વિશ્વભરના જેહાદીઓને દેશમાં પ્રવેશવા દેશે અને કદાચ પ્રોત્સાહિત પણ કરશે”.

કોમન્સ ડિફેન્સ સિલેક્ટ કમિટીના ટોરી ચેરમેન ટોબિયાસ એલવુડે આગાહી કરી હતી કે “આતંકવાદ ફરી તેનો કદરૂપો ચહેરો ઉભો કરશે અને ડ્રોન હુમલા તેને હરાવશે નહીં.

સેનાના ભૂતપૂર્વ વડા જનરલ લોર્ડ ડેનેટ્ટે સરકારને તૈયારી કરવા માટે મહિનાઓ હોવા છતાં આંખ મિંચામણાં કર્યા હોવાનો આરોપ લગાવી તપાસની માંગ કરી હતી.”

ડોમિનિક રાબ અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળવાના મુદ્દે આંતરિક સરકારી નિંદાનો ભોગ બન્યા છે અને કટોકટીને સંભાળવામાં નિષ્ફળ રહેવા બદલ કદાચ આગામી ફેરબદલમાં મંત્રીપદ ગુમાવશે. રાબના સાથીઓએ તેમને એકલાને દોષ આપવો “હાસ્યજનક” છે તેમ જણાવ્યું હતું.  રાબ આ માટે આગામી બુધવારે કોમન્સની વિદેશી બાબતોની સમિતિ સમક્ષ હાજર થવાના છે.

યુકે સરકારે રવિવાર તા. 29ના રોજ અફઘાનિસ્તાનમાંથી ઉતાવળે બહાર નીકળવા બાબતે આકરી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. બ્રિટને સેંકડો લાયક લોકોને ત્યાં છોડી દીધા હતા.