ફાઇલ ફોટો REUTERS/Rupak De Chowdhuri

હિન્દી પટ્ટામાં કોંગ્રેસના સુપડાં સાફ થઈ ગયા હોવાથી પક્ષને 2024ની લોકસભાની ચૂંટણી માટે તેની વ્યૂહરચનામાં ફેરબદલ કરવો પડશે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પાર્ટીનો પરાજય થયો હતો અને હવે ઉત્તર ભારતમાં માત્ર હિમાચલપ્રદેશમાં તેનું શાસન છે. તે માત્ર ત્રણ રાજ્યોમાં પોતાના દમ પર શાસન કરે છે અને પ્રાદેશિક પક્ષો સાથે જોડાણમાં જુનિયર ભાગીદાર તરીકે બિહાર અને ઝારખંડમાં સત્તામાં છે.

જોકે કર્ણાટક પછી હવે તેલંગાણામાં જીતે દક્ષિણ ભારતમાં તેના પ્રભાવમાં વધારો થયો છે. મુખ્ય રાજ્યોમાં કોંગ્રેસની હારને કારણે ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસની સ્થિતિ નબળી પડી છે. ઇન્ડિયા ગઠબંધનના સમીકરણો પણ બદલાશે, કારણ કે અન્ય પક્ષો જોડાણના આધાર તરીકે તેની ભૂમિકાને પડકારશે. મધ્યપ્રદેશમાં બેઠક વહેંચણીના મુદ્દે સપાના અખિલેશ યાદવે કોંગ્રેસની ટીકા કરી હતી. આજના રિઝલ્ટ પછી જેડીયુના કે સી ત્યાગીએ જણાવ્યું હતું કે આ ઇન્ડિયા ગઠબંધનની નહીં, પરંતુ કોંગ્રેસની હાર છે, કારણ કે તેને અન્ય ભાગીદારોની અવગણના કરી હતી.

કેરળના મુખ્યપ્રધાન અને સીપીઆઈ-એમના નેતા પિનરાઈ વિજયને કહ્યું હતું કે કોંગ્રેસે અગાઉથી જીત માની લીધી હતી અને તે માનતી હતી કે તેને હરાવી શકાય તેમ નથી અને તેના કારણે તેનું પતન થયું છે. સપા-કોંગ્રેસના વિખવાદનો ઉલ્લેખ કરતા શિવસેના (યુબીટી) સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે આને ટાળી શકાયું હોત અને કોંગ્રેસને વધુ ઉદારતા દર્શાવવી જોઇએ.

મફતની રેવડી, જાતિ સર્વેક્ષણ અને જૂની પેન્શન યોજના જેવા મુદ્દા કોંગ્રેસની તરફેણ કરી શક્યા નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પનૌતી ટિપ્પણી અને તેમના પર નકારાત્મક વ્યક્તિગત હુમલો પણ આ ચૂંટણીઓમાં પાર્ટીને ભારે પડ્યાં છે. સોફ્ટ-હિંદુત્વ કાર્ડથી પણ કોઈ ખાસ પરિણામ આવ્યું નથી.

 

LEAVE A REPLY

nine + 2 =