Getty Images)

ગુજરાતમાં સતત ત્રીજા દિવસે કોરોનાના 500થી વધુ કેસ નોંધાતા હવે કુલ કેસનો આંક 24 હજારને પાર થઇને 24104 પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 28 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. આમ, કોરોનાથી હવે કુલ મૃત્યુઆંક 1506 થઇ ગયો છે.

ગુજરાતમાં જૂનના 15 દિવસમાં જ નવા 7310 કેસ નોંધાઇ ચૂક્યા છે અને 468ના મૃત્યુ થયા છે. આ સિૃથતિ પ્રમાણે જૂનમાં દરરોજ સરેરાશ 487 નવા કેસ નોંધાઇ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 23 જિલ્લાઓમાં કોરોનાના નવા કેસ સામે આવ્યા છે.

અનલોક-1 બાદ હવે શહેરોમાંથી ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે. અમદાવાદમાં ફરી સતત નવમા દિવસે 300થી વધુ કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં 327 કેસ સાથે અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 16967 થઇ ગયો છે.

આમ, અમદાવાદ જિલ્લો હવે 17 હજાર કેસની નજીક છે. અમદાવાદમાં 7 જૂન બાદ દરરોજ 300થી વધુ કેસ સામે આવી રહ્યા છે. આ સિવાય સુરતમાં 64, વડોદરામાં 44, ગાંધીનગરમાં 15, જામનગર-ભરૂચમાં 9-9, રાજકોટમાં 8, પંચમહાલમાં 7 નવા કેસ સામે આવ્યા હતા.

ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ સતત વધારો થઇ રહ્યો છે. 8 જૂન સુધી ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા 5330 હતી, જે હવે 5926 થઇ ગઇ છે. છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાંથી સૌથી વધુ 28, સુરતમાંથી 4, અરવલ્લીમાંથી 1 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. આ સાથે જ અમદાવાદ જિલ્લામાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1210 થઇ ગયો છે. ગુજરાતમાં હાલ 71 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 5815 સ્ટેબલ છે. છેલ્લા 24 કલાકમાં 339 દર્દીઓ સાજા થયા છે.

જેમાં અમદાવાદમાંથી સૌથી વધુ 225, સુરતમાંથી 58, ગાંધીનગરમાંથી 24, વડોદરામાંથી 8, દાહોદ-પાટણમાંથી 4-4 દર્દીઓ કોરોનાને પરાસ્ત કરવામાં સફળ રહ્યા છે.ગુજરાતમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓની કુલ સંખ્યા હવે 16672 થઇ ગઇ છે. ગુજરાતમાં હાલ વિવિધ જિલ્લાઓમાં 2,11,867 વ્યક્તિઓ ક્વોરન્ટાઇન હેઠળ છે. આ પૈકી 2,07સ290 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઇન અને 4658 ફેસિલિટી ક્વોરન્ટાઇનમાં છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 4344 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે 6 જૂનથી ગુજરાતમાં કરવામાં આવેલા સૌથી ઓછા ટેસ્ટ છે. ગુજરાતમાં અત્યારસુધી કુલ 2,92,909 ટેસ્ટ કરાયા છે. આમ, ગુજરાતમાં હાલ પ્રતિ 10 લાખની વસતીએ સરેરાશ 4248ના ટેસ્ટ થયા છે.