REUTERS/Mike Segar

ભારત અને કેનેડા વચ્ચે નિજ્જર હત્યા મામલે વિવાદ વચ્ચે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ દાવો કર્યો હતો કે કેનેડાએ ઘણા અઠવાડિયા પહેલા હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણી અંગેના વિશ્વસનીય આરોપોના પુરાવા ભારતને આપ્યાં હતા અને ઇચ્છા વ્યક્ત કરી હતી કે ભારત આ ગંભીર મામલાના તથ્થો સાબિત કરવામાં કેનેડાને સહકાર આપવાની પ્રતિબદ્ધતા આપે. જોકે ભારતના વિદેશ મંત્રાલયે આવા દાવાને ફગાવી દીધા હતા.

નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોનો હાથ હોવાના ટ્રુડોના આક્ષેપ પછી ભારત અને કેનેડાના સંબંધો વણસ્યા હતાં. નિજ્જરની કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં 18 જૂને હત્યા થઈ હતી. ભારતે 2020માં નિજ્જરને આંતકી જાહેર કર્યો હતો. ભારતે કેનેડાના આક્ષેપોને વાહિયાત ગણાવીને ફગાવી દીધા હતાં.

ટ્રુડોએ જણાવ્યું હતું કે હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે અમે તે થોડા સપ્તાહ પહેલા ભારતને વિશ્વસનીય આરોપોના પુરાવા આપ્યાં હતાં. અમે અમારા ભાગીદારો સાથે કામગીરી રહ્યાં છીએ. આ મામલે તથ્યો સ્થાપિત કરવામાં ભારત રચનાત્મક રીતે કેનેડાને સહકાર આપે તેવું અમે ઇચ્છીએ છીએ.

જોકે ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે કેનેડાએ આ મામલે પહેલા કે પછી કોઈ ચોક્કસ માહિતી શેર કરી નથી. અમે કોઇ ચોક્કસ માહિતી મળે તો તેની તપાસ કરવા માટે તૈયાર છીએ. અમે આ અંગે કેનેડાને માહિતી આપી છે. પરંતુ હજુ સુધી અમને કોઇ ચોક્કસ માહિતી મળી નથી.

ગુરુવારે ભારતે કેનેડાને તેની ધરતી પરથી કાર્યરત આતંકવાદીઓ અને ભારત વિરોધી તત્વો પર સખત કાર્યવાહી કરવા કહ્યું હતું અને કેનેડાના નાગરિકો માટે વિઝા સેવાઓ સ્થગિત કરી દીધા હતા. ભારતે કેનેડાના રાજદ્વારી સ્ટાફમાં ઘટાડો કરવાની પણ તાકીદ કરી હતી.

LEAVE A REPLY