વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વારાણસીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો હતો. (ANI Photo)

પોતાના મતવિસ્તાર વારાણસીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જણાવ્યું હતું કે આ રમત મારફત વિશ્વ ભારત સાથે જોડાઈ રહ્યું છે. સ્ટેડિયમની ડિઝાઈન ભગવાન મહાદેવને સમર્પિત હોવાથી કાશીના નાગરિકોમાં ગર્વની લાગણી જન્મી છે. મોદીએ ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પરથી ઉત્તરપ્રદેશમાં જરૂરિયાતમંદ બાળકો માટે 16 રેસિડેન્શિયલ સ્કૂલોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ 16 શાળાઓ લગભગ રૂ.1,115 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે.

આ પ્રસંગે મોદીએ જણાવ્યું હતું કે સ્પોર્ટસ પ્રત્યેના અભિગમમાં ફેરફારને કારણે ભારતને રમતગમતમાં તાજેતરમાં સફળતા મળી છે. હવે રમતગમતને યુવાનોની ફિટનેસ, રોજગાર અને કારકિર્દી સાથે જોડવામાં આવી છે. માતા-પિતામાં રમત પ્રત્યેના વલણમાં પરિવર્તન આવ્યું છે. હવે રાષ્ટ્રનો મૂડ છે કે જો ખેલેગા વો હી ખિલેગા. નવ વર્ષ પહેલાની સરખામણીમાં આ વર્ષે સ્પોર્ટ્સ બજેટમાં ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો છે, એમ તેમણે જણાવ્યું હતું.

વારાણસીમાં આશરે રૂ.450 કરોડના ખર્ચે અને 30 એકરથી વધુ વિસ્તારમાં પથરાયેલું સ્ટેડિયમ ડિસેમ્બર 2025 સુધીમાં તૈયાર થઈ જવાની શક્યતા છે. સ્ટેડિયમની જમીન ખરીદવા માટે યુપી સરકારે રૂ.121 કરોડનો અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તેના નિર્માણ પાછળ રૂ.330 કરોડનો ખર્ચ કરશે. સ્ટેડિયમની દર્શકોની ગેલેરી વારાણસીના ઘાટના પગથિયાં જેવી હશે. કાનપુર અને લખનૌ પછી આ ઉત્તરપ્રદેશનું ત્રીજું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ હશે.
આ પ્રસંગે ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કર, કપિલ દેવ, સચિન તેંડુલકર અને રવિ શાસ્ત્રી, BCCI પ્રમુખ રોજર બિન્ની, ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા અને સચિવ જય શાહ હાજર હતા. આ કાર્યક્રમમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યાં હતાં.

 

LEAVE A REPLY

fourteen − eight =