અમેરિકાના વિદેશ વિભાગે બુધવાર, 28 મેએ વિશ્વભરમાં નવા વિદ્યાર્થી વિઝા ઇન્ટરવ્યુનું સમયપત્રક અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધું હતું. સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ જારી કરેલા આદેશનો હેતુ વિઝા અરજદારોની વિસ્તૃત સોશિયલ મીડિયા ચકાસણી દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા વધારવાનો છે. ભારતે ૨૦૨૩-૨૪માં ૨,૬૮,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને અમેરિકા મોકલ્યા હતાં અને આ વર્ષે આ સંખ્યા વધવાની અપેક્ષા છે ત્યારે આ નિર્ણયથી ભારતીયોને સૌથી વધુ અસર થવાની ધારણા છે.

આ નિર્ણયથી પહેલેથી જ નિર્ધારિત ઇન્ટરવ્યુ યોજના મુજબ આગળ વધશે, પરંતુ આગામી સૂચના સુધી કોઈ નવી નિમણૂક સ્વીકારવામાં આવશે નહીં.

આ નિર્ણય વિદેશી વિદ્યાર્થીઓ માટે ફરજિયાત સોશિયલ મીડિયા સ્ક્રીનિંગ લાગુ કરવાની વ્યાપક યોજનાનો હિસ્સો છે. આદેશમાં જણાવાયું હતું કે તાત્કાલિક અસરથી જરૂરી સોશિયલ મીડિયા તપાસના વિસ્તરણની તૈયારી હેઠળ કોઈપણ નવા વિદ્યાર્થીની વિઝા ઈન્ટરવ્યૂના એપોઇન્ટમેન્ટને શિડ્યુલ ન કરવામાં આવે.

આ આદેશ સ્પષ્ટપણે દર્શાવે છે કે અમેરિકન સરકાર વિદેશી વિદ્યાર્થીઓની ડિજિટલ પ્રવૃત્તિઓની સંપૂર્ણ તપાસ કરવાની તૈયારી કરી રહી છે. જોકે અમેરિકાએ હજુ સુધી જણાવ્યું નથી કે આ નવી તપાસ પ્રક્રિયા કયા ચોક્કસ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. અહેવાલમાં જણાવાયું છે કે આ નવી નીતિનો ઉદ્દેશ્ય આતંકવાદ વિરોધી પગલાં અને યહૂદી વિરોધી કાર્યવાહી સંબંધિત એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં છુપાયેલો છે.

LEAVE A REPLY