REUTERS/Brian Snyder/File Photo

બહુ વગોવાયેલા, અમેરિકાના ઈતિહાસના સૌથી બેજવાબદાર તેમજ કલંકિત ગણાવાયેલા પ્રેસિડેન્ટ ટ્રમ્પના ભાવિનો ફેંસલો આ સપ્તાહે, આગામી એક-બે દિવસોમાં લેવાશે. હાઉસ ઓફ રેપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર અને ટ્રમ્પના મોખરાના ટીકાકાર, ડેમોક્રેટ નેતા નેન્સી પેલોસીએ રવિવારે એક ટીવી પ્રોગ્રામમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તેઓ સોમવારે વાઈસ પ્રેસિડેન્ટ માઈક પેન્સને તક આપશે કે ટ્રમ્પ સામે બંધારણના 25મા સુધારાની જોગવાઈઓ લાગું કરી ટ્રમ્પને બરતરફ કરે. આ જોગવાઈઓ હેઠળ રીપબ્લિકન કેબિનેટે જ ટ્રમ્પને તેમના પદ માટે તેઓ અયોગ્ય હોવાનું ઠરાવી તેમને સત્તા કાળના ફક્ત 8-9 દિવસ બાકી હોવા છતાં બરતરફ કરવાના રહે છે. કેપિટોલમાં અભૂતપૂર્વ હિંસાખોરી અને ભાંગફોડના ટ્રમ્પ સમર્થકોના કૃત્ય પછી તેમના કેટલાક રીપબ્લિકન સાંસદો પણ ટ્રમ્પને ફરી 2024માં ચૂંટણી લડવાની તક જ ના મળે તે માટે આવા પગલાંને સમર્થન આપે તેવા સંકેતો છે.

જો કે, જાણકાર સૂત્રોના કહેવા પ્રમાણે સોમવારે સાંજે ટ્રમ્પ અને પેન્સ વચ્ચે મુલાકાત થઈ હતી અને તેમાં પેન્સે એવું કહ્યાનું મનાય છે કે પેન્સ ટ્રમ્પ સામે કોઈ પગલાં નહીં લે. સ્પીકર પેલોસીએ કહ્યા મુજબ મંગળવારે ડેમોક્રેટિક પાર્ટીએ પ્રતિનિધિ ગૃહમાં ઈમ્પીચમેન્ટનો ખરડો રજૂ કર્યો હતો. ઈમ્પીચમેન્ટ પસાર કરાવવામાં ડેમોક્રેટ્સને સેનેટમાં સફળતા મળવી મુશ્કેલ છે, છતાં બે વખત ઈમ્પીચમેન્ટ રજૂ કરાયું હોય તેવા ટ્રમ્પ અમેરિકાના પહેલા પ્રેસિડેન્ટ બની શકે છે.
ઈમ્પીચમેન્ટનો ઠરાવ પ્રતિનિધિ ગૃહમાં તો સરળતાથી પસાર થઈ જશે, પણ પછી સેનેટમાં એને 19 સુધી તો ચર્ચાના એજન્ડામાં સમાવાય નહીં તેવી શક્યતા છે, કારણ કે સેનેટમાં હજી રીપબ્લિકન્સની બહુમતી છે.

કેટલાક રીપબ્લિકન સેનેટર્સે ટ્રમ્પ પોતે તાત્કાલિક રાજીનામું આપે તેવી પણ માંગણી કરી હતી, પણ ટ્રમ્પે પોતે રાજીનામું આપવાનો પણ કોઈ ઈરાદો દર્શાવ્યો નથી. ટ્રમ્પે પોતે બુધવારે (6 જાન્યુઆરી) કેપિટોલ ઉપર હુમલો કરવા, હિંસાખોરી આચરવા પોતાના સમર્થકોને ઉશ્કેરણી કરી હોવાના પુરાવા છે.

ટ્રમ્પને આ હિંસા માટે દોષિત ઠરાવવાનો ડેમોક્રેટ્સનો આગ્રહ પણ મુખ્યત્વે એ કારણોસર છે કે, દોષિત ઠરે તો ટ્રમ્પ ભવિષ્યમાં ચૂંટણી લડી શકે નહીં. ટ્રમ્પ સમર્થકો આગામી દિવસોમાં કે ખાસ તો 20મીએ બાઈડેનની શપથવિધિ વખતે ફરી હિંસાખોરી આચરે, તોફાનો કરે તેવી શક્યતા નકારી શકાતી નથી. કેટલાક અંતિમવાદી તત્ત્વોએ વોશિંગ્ટનમાં તેમજ રાજ્યોના પાટનગરોમાં તોફાનોની ધમકી આપી પણ છે.

6ઠ્ઠી જાન્યુઆરીની હિંસાના ઘટનામાં ટ્રમ્પ સમર્થકો એક તો નેન્સી પેલોસી અને તેમના સ્ટાફને શોધી રહ્યા હતા, તો બીજી તરફ ટ્રમ્પે તેમને માઈક પેન્સને શોધી કાઢી નિશાન બનાવવા પણ ખૂબજ ઉશ્કેર્યા હતા.

મંગળવારે મળતા અહેવાલો મુજબ કેટલાક રીપબ્લિકન સાંસદો ટ્રમ્પ વિરૂદ્ધના ઠરાવને ટેકો આપી શકે છે. ખાસ તો અમેરિકાના કોર્પોરેટ જગતે બાઈડેન સરકારના વિજયને બહાલી આપવાનો વિરોધ કરનારા રીપબ્લિકન સાંસદોને ફંડ અટકાવી દેવા, તેમને હિંસની તરફેણના અને લોકશાહી વિરોધી વલણ બદલ નવેસરથી કાયમ માટે ફંડ નહીં આપવાની તૈયારીઓના પગલે ટ્રમ્પના કેટલાક સમર્થકો પણ તેની સાથે રહે નહીં એવું બની શકે છે.

ટ્રમ્પ અને તેના પરિવારના બિઝનેસીઝ સાથે પણ બે મહત્ત્વની બેંકોએ છેડો ફાડવાનો નિર્ણય લીધો છે, તો બીજા અનેક બિઝનેસીઝે તેમની સાથે કારોબાર અટકાવવાનું વલણ દાખવતાં ટ્રમ્પના સામ્રાજ્ય માટે મુશ્કેલીની શરૂઆત થઈ ચૂકી છે.