કેવડિયાના સરદાર સરોવર ડેમ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી

ગુજરાતના વિજય રૂપાણીએ મંગળવારે 2021થી 2025 માટે નવી પ્રવાસન નીતિની જાહેરાત કરી હતી. આ નીતિમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસ કરવા માટે વિવિધ સબસિડી અને રાહતોની જોગવાઈ કપવામાં આવી છે. સરકાર રૂ.50 થી 500 કરોડના એમ્યુઝમેન્ટ પાર્ક, થીમ પાર્ક અને વોટરપાર્કમાં રોકાણ કરનારને 15 ટકા સબસિડી અપાશે. સ્પોર્ટ્સ અને એડવેન્ચર ટૂરિઝમ માટે સબસિડી અપાશે. નવી પોલિસીમાં વર્લ્ડ ક્લાસ ટુરિઝમ પર ભાર મૂકાયો છે.

રૂપાણીએ ગુજરાતમાં દારૂબંધીમાં છૂટછાટ અંગે સ્પષ્ટ કર્યું હતું કે ગુજરાતમાં દારૂબંધી હળવી નહિ થાય. આ નવી પ્રવાસન નીતિ 1 જાન્યુઆરી 2021 થી 31 માર્ચ, 2025 સુધી અમલમાં રહેશે. આ નવી નીતિમાં રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રે નવા રોકાણો અને સ્થાનિક લોકો માટે રોજગાર અવસર ઊભા કરવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે.

મીડિયા સાથે વાતચીત કરતાં રૂપાણીએ જણાવ્યું હતું કે આત્મનિર્ભર ભારતના દૃષ્ટિકોણ સાથે આ નવી પ્રવાસન નીતિમાં વોકલ ફોર લોકલ’ સહિત સ્થાનિક રોજગારી અને સંતુલિત પ્રાદેશિક વિકાસની નેમ આપણે રાખી છે. વિશ્વભરમાંથી ગુજરાત આવતા પ્રવાસીઓને શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડી પ્રવાસનો ઉત્તમ અનુભવ આપીને પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આ પોલિસી અસરકારક બનશે.

આ નવી નીતિ હેઠળ રાજ્યમાં વેલનેસ રિસોર્ટ પર 15 ટકા સબસિડી આપવામાં આવશે. 500 કરોડથી વધુ રોકાણ કરે તેને 15 ટકા સહાય મળશે એટલું જ નહીં પણ 500 કરોડથી વધુ રોકાણ કરનારને જમીન ભાડાપટ્ટા પર આપવામાં આવશે. સ્પોર્ટ્સ, એડવેન્ચર ટૂરિઝમ માટે પણ સહાય અપાશે. ટૂરિસ્ટ વિસ્તારમાં ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવામાં આવશે. ઈલેક્ટ્રિક વાહનોમાં મૂળ કિંમતના 15 ટકા સહાય અપાશે.તાજેતરમાં જેને બ્લુ ફ્લેગ (Blue Flag) મળ્યો છે તેવા દ્વારકાના શિવરાજપુર બીચ પર પ્રવાસીઓ આકર્ષિત થાય તે માટે વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવશે. ગોવાની જેમ પર્યટકો ગુજરાતના શિવરાજપુર બીચ ખાતે આવે તેવા પ્રયાસો હાથ ધરાશે