એક નવા સંશોધનના તારણો પ્રમાણે બેટરીના ભાવમાં ઘટાડો થવાને કારણે ઈલેક્ટ્રિક વાહનો 2030 સુધીમાં વૈશ્વિક કારના વેચાણમાં બે તૃતિયાંશ હિસ્સો ધરાવતા હશે. આ સ્થિતિમાં 2024માં યુરોપમાં અને 2026માં અમેરિકન માર્કેટમાં 2026માં પેટ્રોલ-ડીઝલ-ગેસ આધારિત વાહનોની કિંમતની સમાનતાને અસર થવાની સંભાવના છે.

રોકી માઉન્ટેઇન ઇન્સ્ટિટ્યૂટ (RMI)ના તાજેતરના રીપોર્ટમાં અનુમાન કરવામાં આવ્યું છે કે, આ દસકામાં બેટરીનો ખર્ચ અડધો થઈ જશે, જે 2022માં 151 ડોલર પ્રતિ કિલોવોટ કલાક (kWh) હતો તે ઘટીને 60 ડોલર અને 90 ડોલર પ્રતિ kWh વચ્ચે થઈ જશે, જેના કારણે 2030 સુધીમાં ઇલેકટ્રિક વાહનો પેટ્રોલ કરતા સસ્તા દરે ઉપલબ્ધ બનશે. બેટરીઓની કિંમત વધુ હોવાના કારણે ઇલેકટ્રિક વાહનોની કિંમત અંદાજે 40 ટકા વધી જાય છે, જે એક એવો ખર્ચ છે ઘણા ગ્રાહકોને પોષાતો નથી.

ઇન્સ્ટિટ્યૂટના સીનિયર પ્રિન્સિપાલ કિંગ્સમિલ બોન્ડે સમાચાર એજન્સી-રોયટર્સને જણાવ્યું હતું કે, કાર ઉત્પાદક કંપનીઓ વધુ કાર્યક્ષમ ઇલેકટ્રિક વાહનો બનાવવા માટે નવી બેટરીના સંશોધન, સામગ્રી અને સોફ્ટવેરમાં રોકાણ કરી રહી હોવાથી તેની કિંમતો સતત ઘટી રહી છે. ઇન્સ્ટિટ્યૂટના વિશ્લેષણ પ્રમાણે, યુરોપ અને ચીનમાં ઇલેક્ટ્રિક વાહનોની ઝડપીથી વૃદ્ધિ થઇ રહી છે, “જે સૂચવે છે કે 2030 સુધીમાં EV વેચાણમાં ઓછામાં ઓછો છ ગણો વધારો થશે, જેનો બજારમાં વેચાણહિસ્સો 62 ટકાથી 86 ટકા હશે.”

યુરોપિયન યુનિયનમાં ઇલેકટ્રિક વાહનોનું વેચાણ જુલાઇ-2022ની સરખામણીએ આ વર્ષે જુલાઈમાં અંદાજે 61 ટકા વધ્યું હતું, જે તમામ કારના વેચાણમાં 13.6 ટકા જેટલું હતું. યુરોપિયન યુનિયનનો લક્ષ્યાંક 2035થી પેટ્રોલ-ડીઝલ-ગેસ આધારિત નવા વાહનોના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો છે.
અમેરિકાએ હજુ સુધી આવા વાહનોના વેચાણનો અંત લાવવાની તારીખ નક્કી કરી નથી, પરંતુ માત્ર કેલિફોર્નિયા અને ન્યૂયોર્કે તે માટે 2035નો લક્ષ્યાંક નક્કી કર્યો છે.

 

LEAVE A REPLY