પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

લંડન સ્થિત બાય-આઉટ કંપનીઓ દ્વારા ડીલમેકિંગની મોસમ પુરબહાર ખીલી છે. બ્રિટિશ બિઝનેસના આવા જ એક ડિલમાં પ્રાઇવેટ ઇક્વિટી કંપનીએ ટાઇફૂ ટીની ખરીદી કરી છે.

ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું કે ડીલમેકર અહેમદ હમદાનીના વડપણ હેઠળના લંડન સ્થિત ઝેટલેન્ડ કેપિટલે ગુપચુપ રીતે ટાઇફૂ ટીનો બહુમતી હિસ્સો ખરીદ્યો છે.

ઝેટલેન્ડે નાણાકીય પુનર્ગઠનના પગલે ભારતીય બિઝનેસ ગ્રૂપ એપીજે સુરેન્દ્ર ગ્રૂપ અને તેના લેણદારો પાસેથી ટાઇફૂ ટીનો અંકુશ મેળવ્યો છે. ટાઇફૂ ટીની સ્થાપના 1900 દાયકાના પ્રારંભમાં જોહન સમર જુનિયરે ફાર્મસી અને ગ્રોસરી શોપના વેચાણ માટે બર્મિંગહામમાં કરી હતી.

આ ટી બ્રાન્ડની લોકપ્રિયતા વધી હતી અને તે બ્રિટનની સૌથી જાણીતી બ્રાન્ડ્સમાં સામેલ થઈ હતી. રેડી-પેકેજ્ડ ટીનું વેચાણ શરૂ કરનારી તે પ્રથમ કંપની છે. યુકેમાં ગ્રીન ટી બ્લેન્ડ્સની શરૂઆત કરનારી પ્રથમ ટી કંપનીઓમાં પણ તેનો સમાવેશ થાય છે.

તેથી શ્વેપ્સ અને પ્રીમિયર ફૂડ્સ જેવી દેશની અગ્રણી કન્ઝ્યુમર કંપનીઓ દ્વારા ટાઇફૂ ટીની ખરીદી અને વેચાણ થયું હતું. લંડન શેરબજારમાં લિસ્ટિંગ ધરાવતી પ્રીમિયર ફૂડ્સે 2005માં 80 મિલિયન પાઉન્ડમાં એપીજે સુરેન્દ્ર ગ્રૂપને ટાઇફૂ ટીનું વેચાણ કર્યું હતું.

આ ભારતીય બિઝનેસ ગ્રૂપની માલિકી હેઠળ ટાઇફૂ ટીએ કપરા સમયનો સામનો કરવા પડ્યો હતો. કંપનીએ 2019માં આશરે 60.8 મિલિયન પાઉન્ડના વેચાણ સાથે 29.9 મિલિયન પાઉન્ડની ટેક્સ પહેલાની ખોટ નોંધાવી હતી.