ભાગેડુ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમના પરિવારના સભ્યોની બે મિલ્કતોનું હરાજીમાં વેચાણ થયું હતું. સ્મગલર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનિપ્યુલેટર્સ (ફોરફીચર ઓફ પ્રોપર્ટી) એક્ટ હેઠળ સત્તાવાળાઓએ શુક્રવારે મુંબઇમાં યોજેલી હરાજીમાં આ મિલકતો વેચાઇ છે.

મહારાષ્ટ્રના દરિયાકાંઠાના રત્નાગીરી જિલ્લાના ખેડ તાલુકામાં મુમ્બકે ગામમાં આવેલી કુલ ચાર મિલકતો હરાજીમાં ઉપલબ્ધ હતી, પરંતુ તેમાંથી બે માટે કોઈ બિડ પ્રાપ્ત થઈ ન હતી. જ્યારે અન્ય બે મિલ્કતોને અનુક્રમે ચાર અને ત્રણ બિડર મળ્યા હતા. જોકે, આ બન્ને મિલ્કતોને ખરીદવામાં એક જ બિડરને સફળતા મળી હતી. 170.98 ચોરસ મીટરની એક કૃષિલક્ષી જમીનના રૂ. 15,440 રિઝર્વ પ્રાઇસ રખાઇ હતી, તેની સામે રૂ. 2.01 કરોડ ઉપજ્યા હતા.

આ ઉપરાંત 1,730 ચોરસ મીટરની ખેતી લાયક જમીનની રૂ. 1,56,270ના રિઝર્વ પ્રાઇસની સામે રૂ. 3.28 લાખનું ઊંચુ બિડ મળ્યું હતું તેમ અધિકારીએ જણાવ્યું હતું. જોકે સફળ બિડરનું નામ જાહેર કરાયું નહતું. આ હરાજી દક્ષિણ મુંબઇના આયકર ભવનમાં કરાઇ હતી. 1993માં મુંબઇના શ્રેણીબધ્ધ વિસ્ફોટ કેસમાં વોન્ટેડ આરોપી દાઉદ હાલમાં પાકિસ્તાનમાં હોવાનું મનાય છે. તાજેતરમાં જ દાઉદને પાકિસ્તાનની હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાના અહેવાલો વહેતા થયાં હતાં.

LEAVE A REPLY

20 + eleven =