ભારતીય નેવીના જવાનોએ અપહરણ કરાયેલા લાઇબેરિયાના ધ્વજ સાથેના જહાજને ચાંચિયાઓના સકંજામાંથી છોડાવ્યું હતું. જહાજમાં સવાર 15 ભારતીય સહિત ચાલક દળનાં 21 સભ્યોને ભારતીય નેવીએ બચાવી લીધા હતા. નેવીના મરિન કમાન્ડોએ તત્પરતા અને બહાદુરી બતાવી તત્કાળ ઓપરેશન હાથ ધર્યું હતું અને ઉત્તર અરબ સાગરમાંથી બ્રાઝિલથી બહેરીન જઇ રહેલા જહાજને પાંચથી છ સશસ્ત્ર ચાંચિયાઓના ચુંગાલમાંથી છોડાવ્યું હતું.

ભારતીય નેવીના પ્રવક્તા કમાંડર વિવેક માધવાલે જણાવ્યું હતું કે, દરિયાઇ ચાંચિયાઓએ એમવી લિલા નોર્ફોક નામના જહાજનાં અપહરણનો પ્રયાસ કર્યો હતો. જેની જાણ થતાં જ ભારતીય નેવીએ એક યુદ્ધજહાજ, મેરિટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ, હેલિકોપ્ટર્સ અને પી-81 અને લોંગ રેન્જ એરક્રાફ્ટ અને પ્રીડેટર MQ9B ડ્રોન્સ ગોઠવી દીધા હતા અને તમામને સલામત રીતે જહાજમાંથી બહાર કાઢ્યા હતા.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘માર્કો કમાંડો દ્વારા ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. જેમાં હાઇજેકર્સ ભાગી છૂટ્યા હતા. ભારતીય નૌકાદળના મેરીટાઇમ પેટ્રોલિંગ એરક્રાફ્ટ અને યુધ્ધ જહાજ દ્વારા તેમને આંતરવામાં આવતાં જ ચાંચિયાઓએ અપહરણ કરવાનો પ્રયાસ છોડી દીધો હોવાનું મનાય છે.’

આ ઘટનાની જાણ થતાં નેવીએ એન્ટિ પાઇરસી પેટ્રોલમાંથી વોરશિપ આઇએનએસ ચેન્નઇને ડાયવર્ટ કર્યું હતું અને અપહૃત જહાજને આંતર્યું હતું. મેરિટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ પી81 અને પ્રીડેટર MQ9B ડ્રોન્સનો ઉપયોગ કરીને જહાજને સતત સર્વેલન્સ હેઠળ રાખવામાં આવ્યું હતું.
મિશન પર તૈનાત યુદ્ધ જહાજ પર હાજર ભારતીય નૌકાદળના મરીન કમાન્ડો વેપારી જહાજમાં સવાર થયા અને સેનિટાઇઝેશન ઓપરેશન હાથ ધર્યું હતું.
એમવી લિલા નોર્ફોકે યુનાઇટેડ કિંગડમ મેરિટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (યુકેએમટીઓ) પોર્ટલ પર એક મેસેજ છોડીને સંકેત આપ્યો હતો કે, પાંચથી છ અજાણ્યા સશસ્ત્ર લોકો મંગળવાર સાંજથી જહાજ પર સવાર થયા છે. એ પછી નેવી સજ્જ બની ગઇ હતી. તેણે આ વિસ્તારમાં અન્ય મેરિટાઇમ સંસ્થાઓ સાથે સંકલનમાં રહીને સ્થિતિ પર બારીકાઇથી નજર રાખી હતી. યુકેએમટીઓ એ બ્રિટિશ મિલિટરી સંગઠન છે. જે વ્યૂહાત્મક પાણીના માર્ગોમાં વિવિધ જહાજોની હેરફેર પર નજર રાખે છે. નેવીએ જણાવ્યું હતું કે ‘વિમાન શુક્રવારે સવારે જહાજની ઉપર ઉડ્યું હતું અને સંપર્ક સ્થાપિત કર્યો હતો. એ પછી તેણે ક્રૂની સલામતી સુનિશ્ચિત કરી હતી.’

આ કાર્ગો જહાજ લીલા ગ્લોબલ નામની કંપનીનું છે. કંપનીના સીઇઓ સ્ટીવ કુંઝરે જણાવ્યું હતું કે ભારતીય નેવી શિપ આઇએનએસ ચેન્નઇ દ્વારા લિલા નોર્ફોકને સફળતાપૂર્વક બચાવી લેવાયું છે. અમે આ બચાવ કામગીરીમાં સામેલ તમામ સંસ્થાઓ ખાસક રીને ભારતીય નેવીનો આભાર વ્યક્ત કરવા માગીએ છીએ.

LEAVE A REPLY

nineteen − four =