(Photo by JUSTIN LANE/POOL/AFP via Getty Images)

ભારતમાં ઉત્પાદિત કોવિશીલ્ડના મુદ્દે ભારત અને બ્રિટન વચ્ચે વિવાદ વકર્યો છે ત્યારે સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભાના 76માં સેશનના પ્રેસિડન્ટ અબ્દુલ્લા શાહિદે જણાવ્યું હતું કે વિશ્વના ઘણા દેશોના અનેક લોકોની જેમ તેમણે પણ ભારતમાં ઉત્પાદિત કોવિશિલ્ડ વેક્સિનના બંને ડોઝ લીધા છે અને તેઓ હજુ જીવતા છે.

કોવિશીલ્ડ વેક્સિન બ્રિટન-સ્વીડનની ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકાએ વિકસિત કરે છે અને તેનું ઉત્પાદન પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે.

શાહિદે શુક્રવારે પોતાની પ્રથમ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે “વેક્સિન અંગે તમે મને ઘણો મહત્ત્વનો ટેકનિકલ પ્રશ્ન પૂછ્યો છે. મે ભારતની કોવિશીલ્ડ લીધી છે. મે બે ડોઝ લીધાં છે. કોવિશીલ્ડ સ્વીકાર્ય છે કે તેવું કેટલાં દેશો કહે છે તે મને ખબર નથી. પરંતુ વિવિધ દેશોની ઘણી વસતિએ કોવિશીલ્ડ લીધી છે. ”

બીજી કોઇ કોવિડ વેક્સીનને મંજૂરી આપવી જોઇએ કે નહીં અથવા વિશ્વ આરોગ્ય સંસ્થા કે બીજી સંસ્થાઓએ માન્ય કરેલી વેક્સિન લેવી જોઇએ તેવા પ્રશ્નના જવાબમાં તેમણે આ ટીપ્પણી કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે “હું જીવતો છું. પરંતુ તેનો નિર્ણય મને નહીં, પરંતુ મેડિકલ વ્યક્તિને કરવા દો.”
ભારતે ગ્રાન્ટ, વેપારી ધોરણે અને યુએનના કોવેક્સ પ્રોગ્રામ હેઠળ આશરે 100 દેશોને વેક્સિનના આશરે 6.6 કરોડ ડોઝની નિકાસ કરી છે. શાહિદ માલદિવ્સના છે અને જાન્યુઆરીમાં ભારતમાં ઉત્પાદિત થયેલી વેક્સિન મેળવનારા પ્રથમ દેશોમાં માલદિવ્સનો સમાવેશ થાય છે. ભારતે જાન્યુઆરીમાં કોવિશીલ્ડના આશરે 1 લાખ ડોઝ આપ્યા હતા. ભારતે અત્યાર સુધી માલદિવ્સને 3.12 લાખ ડોઝનો સપ્લાય આપ્યો છે.

બ્રિટનને શરૂઆતમાં સીરમ ઇન્સ્ટીટ્યૂટ દ્વારા ઉત્પાદિત કોવિશીલ્ડને માન્યતા આપવાનો ઇનકાર કર્યો હતો. જોકે ભારતે જોરદાર વિરોધ કરતાં બ્રિટને તેની નવી ટ્રાવેલ ગાઇડલાઇન્સમાં 22 સપ્ટેમ્બરે સુધારો કર્યો હતો અને આ વેક્સિનનો સમાવેશ કર્યો હતો. આમ છતાં કોવિશીલ્ડના બંને ડોઝ લીધેલા ભારતના પ્રવાસીઓને બ્રિટનમાં ક્વોરેન્ટાઇનમાં રહેવું પડશે. આ પછી બ્રિટનના અધિકારીઓએ જણાવ્યું હતું કે બ્રિટિનને ભારતની વેક્સિન સામે વાંધો નથી, પરંતુ વેક્સિન સર્ટિફિકેટની પ્રક્રિયા સામે છે. આ મુદ્દે બંને દેશો વચ્ચે ટેકનિકલ મુદ્દે મંત્રણા થઈ હતી, પરંતુ તેનો ઉકેલ આવ્યો ન હતો. તેનાથી ભારતે પણ જેવા સાથે તેવા અભિગમ સાથે બ્રિટનના નાગરિકો માટે આવા જ નિયંત્રણો લાગું કર્યા છે.