(Photo by JOHANNES EISELE/AFP via Getty Images)

અમેરિકન અબજોપતિ રોકાણકાર વોરેન બફેટે જણાવ્યું હતું કે ભારતીય બજારમાં વણખેલાયેલી તકો છે અને તેમના ગ્રૂપની હોલ્ડિંગ કંપની બર્કશાયર હેથવે ભવિષ્યમાં આ તકોનું ખેડાણ કરી શકે છે.

બર્કશાયર હાથવેની વાર્ષિક જનરલ મીટિંગ (AGM)માં સૌ પ્રથમવાર ભારતમાં રોકાણનો મુદ્દો ચર્ચાયો હતો. અમેરિકા સ્થિત હેજ ફંડ દૂરદર્શી એડવાઈઝર્સના રાજીવ અગ્રવાલે મીટિંગમાં સવાલ કર્યો હતો કે ‘ભારતીય ઈક્વિટી માર્કેટ છેલ્લાં 5,10,20 વર્ષમાં ખૂબ સારું રહ્યું છે. ભારત વિશ્વનું પાંચમા ક્રમનું સૌથી મોટુ અર્થતંત્ર છે અને આગામી કેટલાક વર્ષોમાં ત્રીજા ક્રમ પર આવી જશે. મારો સવાલ એ છે કે બર્કશાયર ભારતીય ઈક્વિટી માર્કેટમાં એક્ટિવિટી (રોકાણ) અંગે વિચારી રહ્યું છે કે કેમ અને કંઈક નક્કર ખરીદી કરશો કે કેમ?’

વોરેન બફેટે તેના જવાબમાં કહ્યું હતું કે ‘આ ખૂબ સારો સવાલ છે. મને ખાતરી છે કે ભારત જેવા દેશોમાં ખૂબ જ તક છે. પણ સવાલ એ છે કે બર્કશાયરને ભારતમાં રોકાણનો કોઈ લાભ છે કે કેમ અને ત્યાંના બિઝનેસ વિશેની ઊંડી જાણકારી છે કે કેમ અને ત્યાં કોઈ સંપર્ક છે કે કેમ જે ટ્રાન્ઝેક્શન્સ શક્ય બનાવે. બર્કશાયર ખાતે વધુ ઉર્જાવાન મેનેજમેન્ટ કદાચ તે કરી શકે.’ તેમનો ઈશારો તેમના અનુગામી જાહેર થાય તેના તરફ હતો. મતલબ કે બર્કશાયરના નવા વડા આ અંગે નિર્ણય કરી શકે. ભારતમાં અત્યાર સુધી ધ્યાનમાં ન આવી હોય તેવી કે ધ્યાન ન અપાયું હોય તેવી તક હોઈ શકે છે, પરંતુ તે વિશે ભવિષ્યમાં કંઈક થઈ શકે. તક તો છે.’

વોરેન બફેટનું બર્કશાયર હાથવે ગ્રુપ 200 અબજ ડોલરની જંગી કેશ ધરાવે છે અને એટલે જ બફેટ કોઈપણ કંપનીમાં મોટો હિસ્સો ખરીદે છે અથવા તો આખી કંપની જ ખરીદી લે છે. તેઓ ઈન્વેસ્ટમેન્ટ બેન્કર્સ કે બ્રોકર્સ પર આધાર રાખતા નથી.

LEAVE A REPLY