ઉત્તરપ્રદેશમાં હાથરસ ગેંગ રેપ પીડિતાના પરિવારને મળવા જઈ રહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને ગ્રેટર નોઇડા પાસે પોલીસે અટકાયતમાં લીધા હતા. (PTI Photo)

ઉત્તરપ્રદેશની ગેંગરેપ પીડિતાના પરિવારજનોને મળવા જઈ રહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડરાને ગ્રેટર નોઇડામાં પોલીસે અટકાયતમાં લીધા હતા અને થોડા સમય પછી છોડી મૂક્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે બંનેને પોલીસ જીપમાં એક ગેસ્ટમાં થોડો સમય રાખવામાં આવ્યા હતા અને પછી છોડી મૂકવામાં આવ્યા હતા. જોકે કોંગ્રેસે ટ્વીટ કરી હતી કે બંનેને પોલીસે ધરપકડ કરી હતી.

રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે તેઓ અને તેમની બહેન પ્રિયંકા ગાંધી હાથરસ ગેંગરેપ પીડિતાના પરિવારજનોને મળવા જઈ રહ્યા હતા ત્યારે પોલિસી ધક્કામુકી કરી હતી અને લાઠીચાર્જ કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે પોલીસે મને ધક્કા માર્યા હતા અને મારા પર લાઠીચાર્જ કર્યો હતો અને જમીન પર પાડી દીધો હતો. હું પૂછવા માગું છું કે શું માત્ર મોદીજી આ દેશમાં ચાલી શકે છે. સામાન્ય વ્યક્તિ ચાલી શકે નહીં. અમારા વાહનનો અટકાવવામાં આવ્યું હતું, તેથી અમે ચાલવાનું ચાલુ કર્યું હતું.

કોંગ્રેસના કાર્યકરાઓ રોડ બ્લોક કરીને સૂત્રોચ્ચાર કર્યો હતો. હાથરસથી આશરે 142 દૂર આવેલા ગ્રેટર નોઇડા ખાતે રાહુલ ગાંધીના કાફલાને અટકાવવામાં આવ્યો હતો. આ પછી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી તેમની એસયુવીમાંથી બહાર આવ્યા હતા અને કોંગ્રેસ કાર્યકરોની સાથે ચાલવાનું ચાલુ કર્યું હતું. હાથરસમાં કોંગ્રેસ નેતાઓની મુલાકાત પહેલા ઉત્તરપ્રદેશના વહીવટીતંત્રે કોરોના વાઇરસનું બહાનું આપીને લોકોના એકઠા થવા પર પ્રતિબંધ મૂક્યો હતો અને સરહદ પર બેરિકેડ ઊભા કર્યા હતા.

હાથરસની સીમા પર સમાજવાદી પાર્ટીનાા કાર્યકારોએ પણ વિરોધ પ્રદર્શન કર્યા હતા. ઉત્તરપ્રદેશના હાથરસમાં ગેંગરેપનો ભોગ બનેલી 19 વર્ષની પીડિતાના મૃતદેહના મંગળવારની રાત્રીએ પોલિસે પરિવારજનોની ગેરહાજરીમાં અંતિમસંસ્કાર કર્યા હતા. ગામજનોના વિરોધ વચ્ચે પરિવારને જાણ કર્યા વગર જ પોલીસે અંતિમ સંસ્કાર કરતાં દેશના કેટલાંક ભાગોમાં તેનો ભારે વિરોધ પ્રદર્શન યોજાયા હતા. આ મામલે પાટનગર નવી દિલ્હી અને અન્યત્ર સારો એવો વિરોધ વંટોળ સર્જાયો હતો.

ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે આ કેસની તપાસ કરવા માટે રાજ્યપોલીસની એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમ (SIT) ની રચના કરવાની જાહેરાત કરી હતી.આ ટીમને સાત દિવસમાં તપાસ પૂરી કરીને પોતાને રિપોર્ટ આપવાની તાકીદ યોગીએ કરી હતી. ત્રણ સભ્યોની આ ટીમની આગેવાની રાજ્યના ગૃહ સચિવ ભગવાન સ્વરૂપને સોંપવામાં આવી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં ચારે ચાર ઠાકુર યુવાનની ધરપકડ કરવામાં આવી છે.