પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમેરિકામાં કેન્સરથી થતા મૃત્યુનું જોખમ ત્રણ દસકામાં લગભગ ત્રીજા ભાગ જેટલું ઘટી ગયું છે, આ સ્થિતિ વહેલાસર નિદાન, સારી સારવાર અને ઓછા ધૂમ્રપાન કરનારાઓને આભારી છે, તેમ એક વિશ્લેષણમાં જણાવવામાં આવ્યું છે.

અમેરિકન કેન્સર સોસાયટી (ACS)ના વાર્ષિક અહેવાલમાં જણાવ્યા મુજબ પુરુષો અને સ્ત્રીઓનો કેન્સરથી થતા મૃત્યુનો દર વર્ષ 1991માં ટોચ પર હતો તે 2019માં 32 ટકા ઘટી ગયો છે. આ ઘટાડાને કારણે અંદાજે કુલ 3.5 મિલિયન મૃત્યુ ઓછા થયા હતા.

રીપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, આ સફળતા મોટાભાગે ઓછા લોકો ધૂમ્રપાન કરતા હોવાથી મળી છે, તેના કારણે ફેફસા અને ધૂમ્રપાન સંબંધિત અન્ય કેન્સરમાં ઘટાડો થયો છે, અન્ય કોઈપણ પ્રકારના કરતાં ફેફસાના કેન્સરથી વધુ લોકોના મૃત્યુ થાય છે.

આંકડા દર્શાવે છે કે, આ ઘટાડાનો દર ઝડપી વધી રહ્યો છે. 1990 ના દાયકામાં, મૃત્યુનું જોખમ વાર્ષિક એક ટકા ઘટ્યું ગચું. જ્યારે 2015 અને 2019 ની વચ્ચે, આ દર બમણી ઝડપથી ઘટ્યો છે, જે એક વર્ષમાં લગભગ બે ટકા જેટલો હતો.

સોસાયટીના રીપોર્ટમાં વધુ જણાવાયું છે કે, ‘કેન્સર મૃત્યુદરમાં ઝડપી ઘટાડો એ તેને અટકાવવાની શક્તિ, તપાસ, વહેલાસર નિદાન, સારવાર અને કેન્સર વગરના વિશ્વની નજીક જવાની આપણી સંભાવનાને દર્શાવે છે.’

“તાજેતરના વર્ષોમાં, જ્યારે કેન્સર શરૂઆતના તબક્કામાં હોય ત્યારે ફેફસાનું કેન્સર ધરાવતા વધુ લોકોનું નિદાન થયું છે, અને તેના પરિણામે લાંબું જીવન જીવે છે.’

વર્ષ 2004માં, ફેફસાના કેન્સરનું નિદાન કરાયેલા લોકોમાંથી માત્ર 21 ટકા લોકો ત્રણ વર્ષ પછી પણ જીવીત રહ્યા હતા. જ્યારે 2018માં આ સંખ્યા વધીને 31 ટકા થઈ હતી.

સારવારમાં સુધારો અને વહેલાસર તપાસ પણ મૃત્યુ દર ઘટાડવામાં મદદ કરી રહી છે, પરંતુ કેન્સરના પરિણામોમાં અસમાનતા યથાવત જોવા મળે છે.

આ રીપોર્ટ મુજબ લગભગ દરેક પ્રકારના કેન્સરમાં શ્વેત લોકો કરતાં અશ્વેત લોકોનો કેન્સરથી બચવાનો દર ઓછો છે. શ્વેત મહિલાઓ કરતાં અશ્વેત મહિલાઓમાં સ્તન કેન્સરથી મૃત્યુ થવાની શક્યતા 41 ટકા વધુ હોય છે, આમ છતાં તેમને કેન્સર થવાની શક્યતા ચાર ટકા ઓછી હોય છે.