જે પ્રવાસીઓ અમેરિકા જવાનું આયોજન કરી રહ્યા છે અને તેમની પાસે રીઅલ આઇડી નથી તેમણે આવતા વર્ષથી એરપોર્ટ પર વધુ ફી ચૂકવવા તૈયાર રહેવું પડશે. યુએસ ટ્રાન્સપોર્ટેશન સીક્યુરિટી એડમિનિસ્ટ્રેશન (TSA) દ્વારા તાજેતરમાં આવા રીઅલ આઇડી વગરના મુલાકાતીઓ માટે ફેબ્રુઆરી 2026થી 45 ડોલરનો ચાર્જ લેવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. રીઅલ આઇડીનો નિમય ઘણા વર્ષો સુધી મોકુફ રાખ્યા પછી અમેરિકન તંત્રે મે મહિનામાં આ નિયમોનો અમલ શરૂ કર્યો હતો. રીઅલ આઈડી એટલે મુખ્યત્વે જે તે રાજ્ય દ્વારા ઇસ્યુ કરાયેલા ડ્રાઇવિંગ લાયસન્સ, લર્નર્સ પરમિટ અથવા ઓળખ કાર્ડ (આઇડેન્ટિફિકેશન કાર્ડ), જે ફેડરલ નિયમોને આધિન આપવામાં આવે છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ રીઅલ આઇડી મુખ્ય હેતુ એરપોર્ટની સુરક્ષા વધારવાનો અને તમામ રાજ્યોની માર્ગદર્શિકામાં એકરૂપતા લાવવાનો છે.
મોટાભાગના નાગરિકો પાસે રીઅલ આઈડી અથવા પાસપોર્ટ હોય છે, પરંતુ જેમની પાસે તે નથી, વિશેષમાં તો એવા લોકો જેઓ ખૂબ ઓછો પ્રવાસ કરે છે તેમના માટે આ નવા નિયમો થોડા ચોંકાવનારા હશે.
તાજેતરમાં પસાર થયેલા કાયદામાં જણાવવામાં આવ્યું છે કે, 1 ફેબ્રુઆરી, 2026થી અમેરિકાના કોઇપણ એરપોર્ટ પરથી રીઅલ આઇડી વગર બહાર નીકળનારા કોઈપણ વ્યક્તિએ 45 ડોલરની ફી ચૂકવવી પડશે. આ ચાર્જ દસ દિવસ માટે અમલમાં રહેશે, તેથી જો તમે તે સમય દરમિયાન ફરીથી પ્રવાસ કરશો તો તમારી પાસેથી વધારાનો કોઇ ચાર્જ લેવામાં નહીં આવે. TSAના જણાવ્યા મુજબ, પ્રવાસીઓને એરપોર્ટ પર પહોંચતા પહેલા આ ચાર્જ ચૂકવવાનો વિકલ્પ મળશે. જોકે, અત્યારે ઓનલાઈન પેમેન્ટ સંબંધિત અથવા વધારાની સુરક્ષા તપાસ અંગે કોઇ માહિતી ઉપલબ્ધ નથી, જેના દ્વારા પ્રવાસીઓને આ નવી પ્રક્રિયામાંથી પસાર થવું પડી શકે છે, જે TSA Confirm.ID તરીકે પણ ઓળખાય છે.













