દિલ્હીમાં ફરીથી વાયુ પ્રદૂષણની સ્થિતિ ખૂબ જ ખરાબ થઇ છે. સવારના સમયે ધુમ્મસને કારણે દૃશ્યતા પણ ઘટી ગઈ હતી. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ના જણાવ્યા મુજબ શનિવારે સવારે દિલ્હીનો સરેરાશ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 393 નોંધાયો હતો, જે ‘ખૂબ ખરાબ’ માનવામાં આવે છે. આ દરમિયાન અનેક વિસ્તારોમાં AQI 400ને પણ પાર થયો હતો.
બોર્ડના ડેટા મુજબ શનિવારે સવારે દિલ્હીના આનંદ વિહારમાં AQI 436 નોંધાયો હતો. આ ઉપરાંત અન્ય અનેક મોનિટરિંગ સેન્ટર્સમાં પણ AQI 400થી વધુ નોંધાયો હતો. અશોક વિહારમાં 435, ITOમાં 425, DTUમાં 426 અને નહેરુનગરમાં 427 AQI નોંધાયો. અન્ય વિસ્તારોમાં પણ હવાની ગુણવત્તામાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો.
વર્તમાન સમયમાં દિલ્હીવાસીઓને પ્રદૂષિત હવામાંથી રાહત મળવાની સંભાવના નથી, જેને કારણે શ્વાસના દર્દીઓને તકલીફ થઈ શકે છે. આ ઉપરાંત લોકોમાં આંખોમાં બળતરા અને ગળામાં ખારાશ જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને CQAM દ્વારા દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં વાહનોમાંથી થતા વાયુ પ્રદૂષણને ઘટાડવા નિષ્ણાત સમિતિની રચના કરી છે.













