અમેરિકા જવા ઈચ્છતા જે ભારતીય નાગરિકોના વિઝા છ મહીનાથી ઓછા સમય માટે માન્ય રહ્યા છે તેઓ ‘વંદે ભારત મિશન’ અંતર્ગત અમેરિકા નહીં જઈ શકે. જે વિદ્યાર્થીઓએ તાજેતરમાં અમેરિકાની શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ મેળવ્યો છે પરંતુ મહામારી પહેલા જોઈન નથી થયા તેઓને પણ અમેરિકા નહીં લઈ જવામાં આવે.
એર ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે F અને M વિઝા ધરાવતા કેટલીક ખાસ શ્રેણીના નાગરિકોને આ મિશન અંતર્ગત અમેરિકા નહીં લઈ જવામાં આવે. અમેરિકામાં ભણતા વિદ્યાર્થીઓને આ વિઝા આપવામાં આવે છે.
અમેરિકન યુનિવર્સિટીઝમાં તાજેતરમાં જ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને અમેરિકી સ્વાસ્થ્ય અધિકારીઓ નવો નિર્દેશ ન આપે ત્યાં સુધી અમેરિકાની યાત્રા ટાળવાનું કહેવામાં આવ્યું છે. 2020ના નવા સત્રમાં દાખલો મેળવનારા વિદ્યાર્થીઓ પોતાની સંસ્થા ફરીથી ખુલે તે તારીખની આસપાસ યાત્રા માટે યોજના બનાવે તેમ કહેવામાં આવ્યું છે.
જ્યારે જે વિદ્યાર્થીઓ અમેરિકામાં સામાન્ય રીતે શિક્ષણ મેળવી રહ્યા છે અને અહીં લોકડાઉન પહેલા જ આવ્યા હતા તેમણે પોતાની શિક્ષણ સંસ્થાઓનો સંપર્ક કરીને આગળના નિર્દેશ લેવાના રહેશે. બની શકે કે, કેટલાક વિદ્યાર્થીઓને હાલ કેમ્પસમાં પ્રવેશની મંજૂરી ન મળે માટે તેમણે સજાગ રહેવું જરૂરી છે.
ગેસ્ટ વર્કર વીસા 60 દિવસ માટે સસ્પેન્ડ કરવા સેનેટરોની અપીલ
કોરોનાએ અમેરિકામાં કાળો કેર મચાવ્યો છે અને કરોડો અમેરિકનો મોતનાં ખપ્પરમાં હોમાયા છે ત્યારે રિપબ્લિકન પાર્ટીના ચાર ટોચના સેનેટરોએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને 60 દિવસ માટે કે સ્થિતિ સામાન્ય ન બને ત્યાં સુધી તમામ નવા ગેસ્ટ વર્કર વીસા આપવાની કામગીરી સ્થગિત કરવા તેમજ H-૧B વીસા સહિત કેટલીક કેટેગરીનાં નવા ગેસ્ટ વર્કર વીસા ઓછામાં ઓછા ૧ વર્ષ માટે કે જ્યાં સુધી બેકારીની સ્થિતિ સામાન્ય સ્તરે ન આવે ત્યાં સુધી સસ્પેન્ડ કરવા અપીલ કરી છે.
કોરોનાને કારણે અમેરિકામાં બેકારીનો દર ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો છે. આવા કપરા સંજોગોમાં ચાર રિપબ્લિકન સેનેટર ટેડ ક્રૂઝ, ટોમ કોટન, ચક ગ્રાસલી અને જોશ હાવલીએ પ્રમુખ ટ્રમ્પને પત્ર લખીને કેટલાક વીસા હંગામી ધોરણે સસ્પેન્ડ કરવા સૂચવ્યું છે અને ઈકોનોમી અંગે ચિંતા વ્યક્ત કરી છે. સેનેટરોએ લખ્યું છે કે માર્ચનાં મધ્યથી અત્યાર સુધીમાં ૩૩ મિલિયન અમેરિકનોએ જોબલેસ ક્લેઈમ કર્યા છે. અમેરિકાનો પાંચમા ભાગનો કર્મચારી વર્ગ હાલ બેકાર છે.