અમેરિકામાં વસતા એચ-1બી વર્ક વિસા અથવા ગ્રીન કાર્ડ ધારક ભારતીયો કે જેમના બાળકો જન્મથી જ અમેરિકન નાગરિકો છે તેઓને એર ઇન્ડિયાની વાપસીની ફલાઇટ્સમાં બેસીને દેશ પાછા ફરતા અટકાવાઇ રહ્યા છે. ન્યૂ યોર્ક સ્થિત સામુદાયિક અગ્રણી પ્રેમ ભંડારીએ મે પાંચની ટ્રાવેલ એડવાઇઝરીથી ઓસીઆઇ કાર્ડધારકો માટે ઊભી થયેલી પીડાદાયી સ્થિતિ વર્ણવી છે. ભારત પાછા ફરવા માંગતા એચ-1બી, ગ્રીન-કાર્ડધારક ભારતીયો માટે વિકટ સ્થિતિ જન્મી છે.
ભારત સરકારે ગયા મહિને જાહેર કરેલા અને ગયા મહિને સુધારેલા નિયમનો અન્વયે ભારતીય મૂળના લોકોને વીસા મુક્ત પ્રવાસનો વિશેષ અધિકાર આપતા ઓસીઆઇ કાર્ડ અને વિદેશી નાગરિકોના વીસાને નવા આંતરરાષ્ટ્રીય પ્રવાસન નિયંત્રણોના ભાગરૂપે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ન્યૂ જર્સીના પાંડે દંપતિ (નામ અને સ્થળ બદલ્યા છે) સહિત કેટલાક ભારતીય નાગરિકો માટે હવે બેવડી મૂંઝવણની હાલત ઊભી થઇ છે. પાંડે દંપતિએ એચ-1બી રોજગાર ગુમાવ્યો છે અને તેમણે 60 દિવસની મુદતમાં ભારત પાછા ફરવું પડે. આ દંપતિના એક અને છ વર્ષના બે સંતાનો અમેરિકન નાગરિકો છે.
પાંડે દંપતિએ નેવાર્ક એરપોર્ટ ઉપરથી પા છા જવું પડ્યું કારણ કે, એર ઇન્ડિયાએ પાંડે દંપતિના બાળકોને ટિકિટ આપવા ઇન્કાર કર્યો. પાંડે દંપતિ ભારતીય નાગરિકો છે. દંપતિએ એર ઇન્ડિયા અને ન્યૂ યોર્કના ભારતીય કોન્સ્યૂલેટના સ્ટાફના સહકારના વખાણ કરતાં ઉમેર્યું હતું કે, ભારત સરકારના નવા નિયમનોના કારણે સંબંધિત અધિકારીઓ પણ કાંઇ કરી શકે તેમ નથી. 28ના પાંડેએ માનવીય ધોરણે નિર્ણયની ફેરવિચારણા માટે ભારત સરકારને અનુરોધ સાથે જણાવ્યું હતું કે, અમેરિકામાં તેમના સ્ટેને લંબાવવા યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસને અપીલ કરવા પણ તેઓ વિચારે છે.
ગયા મહિને મોટા ભાગે ભારતીય એવા એચ-1બી વિસાધારકોએ વ્હાઇટ હાઉસને અરજી પાઠવને રોજગાર ગુમાવ્યા પછી અમેરિકામાં રહેવાપાત્ર 60 દિવસની મુદતને વધારીને 180 દિવસ કરવા પ્રમુખ ટ્રમ્પને અનુરોધ કર્યો હતો. કેટલા ભારતીય એચ-1બી વિસાધારકોએ રોજગાર ગુમાવ્યા છે તેના સત્તાવાર આંકડા હજુ ઉપલબ્ધ નથી પરંતુ આ સંખ્યા નોંધપાત્ર હોવાનું માનવામાં આવે છે.
અમેરિકામાં કરોના મહામારીના પગલે બેરોજગારીનો દર અસામાન્ય હદે વધ્યો છે. છેલ્લા બે મહિનામાં 33 મિલિયન અમેરિકનો બેરોજગાર થયા છે. આવી બેરોજગારીમાં એક વખત રોજગાર ગુમાવનારા ભારતીયો માટે ફરીથી રોજગાર મેળવવાનું મુશ્કેલ બનશે તે સ્થિતિને ધ્યાનમાં લેતા ઘણા ભારતીયોને સ્વદેશ પાછા ફર્યા વિના કોઇ આરો રહેશે નહીં.
પાંડે દંપતિની માફક સિંગલ મધર મમતાને પણ એરપોર્ટ ઉપરથી પાછા ફરવું પડ્યું હતું. તેણીનો ત્રણ માસનો પુત્ર અમેરિકન પાસપોર્ટ ધરવે છે. આ કારણે એર ઇન્ડિયાની ફલાઇટમાં મમતાને ટિકિટ અપાઇ પરંતુ તેણીના પુત્રને ટિકિટ અપાઇ ન હતી. મમતાના કહેવા પ્રમાણે તેણી અમેરિકામાં એકલી છે, કોઇ સગાં નહીં હોવાથી વિકટ સ્થિતિ જન્મી છે.
વોશિંગ્ટન ડીસીથી રાકેશ ગુપ્તાએ (નામ બદલ્યું છે) માનવીય અભિયાન ‘વંદે ભારત મિશન’ને અમાનવીય ગણાવ્યું હતું. રોજગાર ગુમાવનાર રાકેશ ગુપ્તાએ 60 દિવસમાં અમેરિકા છોડવું પડે તેમ હોવાથી તેમણે અઢી વર્ષની પુત્રી માટે એર ઇન્ડિયામાં ટિકિટ માંગી હતી. રાકેશ અને તેમના પત્ની ભારતીય નાગરિકો હોઇ તેમને ટિકિટ મળી હતી પરંતુ અઢી વર્ષની પુત્રીને ઓસીઆઇ કાર્ડના કારણે ટિકિટ અપાઇ ન હતી. રાકેશ ગુપ્તાએ આ સ્થિતિને માની ના શકાય તેવી ગણાવી હતી.
પાંડે દંપતિ અને મમતાએ તો ઘરવાપસી માટે ટિકિટ ભાડા પેટે 1361 ડોલર પણ ચૂકવ્યા હતા. એર ઇન્ડિયાએ તેમના નાણા પાછા આપવાની વાત કરી હતી. આ ભારતીયોએ ભારત સરકારને વર્તમાન નિયમનોમાં જરૂરી ફેરફાર કરી તેમના વતનવાપસી શક્ય બનાવવા વિનંતી કરી છે.
ન્યૂ યોર્ક સ્થિત સામુદાયિક અગ્રણી પ્રેમ ભંડારીએ અમેરિકામાં ભારતીયોની હાલત અંગે જણાવતા ભારતીય ગૃહસચિવ અજયકુમાર ભલ્લાને પત્ર પાઠવીને જણાવ્યું હતું કે, હાલની કટોકટીમાં ઓસીઆઇ કાર્ડધારકો પરત્વે દાખવાઇ રહેલો પક્ષપાત નિરાશાજનક છે.