Risk of stroke with Pfizer's covid booster and flu dose
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

કોરોનાની ત્રીજી લહેરની આશંકા હોવા છતાં ગુજરાતમાં હજુ આશરે 53 લાખ લોકોએ કોરોનાની રસી જ લીધી નથી. ગુજરાતને કોરોનામુક્ત બનાવવા ફરજિયાત રસી લેવા સરકારે અપીલ કરી છે અને જાહેર સ્થળો પર વેક્સિન સર્ટિફિકેટ વગર એન્ટ્રી ન આપવાનો નિર્ણય કર્યો છે. આમ રસી લેવામાં બેદરકારી દાખવી રહયા છે.

રાજ્યમાં અત્યારે સુધી 53,27,391 લોકોએ રસીનો પ્રથમ ડોઝ જ લીધો નથી. મહેસાણામાં 3.72 લાખ, કચ્છમાં 2.35 લાખ, અમરેલીમાં 3.66 લાખ, બનાસકાંઠામાં 3.32 લાખ સુરેન્દ્રનગરમાં 3.37 લાખ, આણંદમાં 3.62 લાખ, ગાંધીનગરમાં 2.33 લાખ અને સુરતમાં 1.35 લાખ લોકોએ રસી લીધી નથી.

આ બાજુ, કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધાં બાદ આશરે 40 લાખ લોકો નિયત સમય મર્યાદામાં રસીનો બીજો ડોઝ લીધો નથી. મહેસાણામાં 1.36 લાખ, કચ્છમાં 2.11 લાખ, સુરતમાં 2.01 લાખ, રાજકોટમાં 1.52 લાખ, ભરૂચમાં 1.68 લાખ, વડોદરામાં 1.43 લાખ, સુરેન્દ્રનગરમાં 90164, આણંદમાં 2.99 લાખ લોકોએ રસીનો બીજો ડોઝ લીધો નથી.

જોકે પોઝિટિવ બાબત એ છે કે તાપી, મહિસાગર, જૂનાગઢ, અમદાવાદ જિલ્લામાં કોરોનાની રસીની સો ટકા કામગીરી થઇ છે. આ જિલ્લામાં તમામ લોકોએ રસીનો પ્રથમ ડોઝ લઇ લીધો છે. હવે બાકીના લોકોને રસી આપી સો ટકા લક્ષ્યાંક પૂર્ણ કરવો એ આરોગ્ય વિભાગ માટે પડકારજનક છે. ગુજરાતમાં કુલ મળીને 93.34 લાખ લોકોને રસીનો પ્રથમ અને બીજો ડોઝ આપવાની બાકી છે.