Government opposes Vedanta-Hind Zinc deal, slams Anil Agarwal
વેદાંત રિસોર્સિંગ (ઇન્ડિયા)ના ગ્રૂપ ચેરમેન અનિલ અગ્રવાલનો ફાઇલ ફોટો (Getty Images)

વેદાંત ભારતમાં તેના 20 બિલિયન ડોલરના સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે પ્લાન્ટ્સ માટેનું સ્થળ જૂનના મધ્ય સુધીમાં નક્કી કરશે અને બે વર્ષમાં પ્રથમ ચીપ પ્રોડક્ટ તૈયાર હશે, એમ વેદાંતના ચેરમેન અનિલ અગ્રવાલે દાવોસમાં વર્લ્ડ ઇકોનિમિક ફોરમ દરમિયાન એક ઇન્ટરવ્યૂમાં બુધવારે (25મે)એ જણાવ્યું હતું.

ઓઇલથી લઇને મેટલ સુધીના બિઝનેસ કરતા વેદાંત ગ્રૂપે ફેબ્રુઆરીમાં જણાવ્યું હતું કે તે તે ચીપ ઉત્પાદનમાં પ્રવેશ કરશે અને ભારતને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગનું હબ બનાવવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યોજનાને સપોર્ટ કરવા તાઇવાનની ફોક્સકોન સાથે સંયુક્ત સાહસની રચના કરશે.

વેદાંતે ચીપ્સ અને ડિસ્પ્લેના ઉત્પાદન માટે બે અલગ પ્લાન્ટ સ્થાપવા 20 બિલિયન ડોલરના રોકાણની યોજના બનાવી છે. અગ્રવાલે જણાવ્યું હતું કે ફોક્સકોન અમારો ટેકનિકલ પાર્ટનર છે. અમે ઇક્વિટી ભાગીદાર ન રાખીએ તેવી શક્યતા છે. એપલની કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરર ફોક્સકોન સેમિકન્ડક્ટર્સના ઉત્પાદન માટે ટેકનોલોજી પૂરી પાડીને ટેકનિકલ જવાબદારી નિભાવશે.

વેદાંત આ પ્લાન્ટ્સના સ્થળ માટે કેટલીક રાજ્ય સરકારો સાથે મંત્રણા કરી રહી છે અને મોદી સરકાર પાસેથી પ્રોત્સાહન માગી રહી છે. અગ્રવાલે જણાવ્યું હતું કે વેદાંત આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં બે બિલિયન ડોલરનું રોકાણ કરશે. વેદાંતે ભંડોળ માટે પ્રાઇવેટ ઇક્વિટી કંપનીઓ સાથે હજુ કોઇ મંત્રણા કરી ન હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે પીઇ કંપનીઓ ભારતના સેમિકન્ડક્ટર બિઝનેસમાં ભાગીદાર બનવા માગે છે અને ફંડ્સની કોઇ અછત નથી.

ભારતનું સેમિકન્ડક્ટર માર્કેટ 2026 સુધીમાં વધી 63 બિલિયન ડોલર થવાનો અંદાજ છે, જે 2020માં 15 બિલિયન ડોલરનું હતું.

તેમણે જણાવ્યું હતું કે તમારે ભારતમાં બીજુ તાઇવાન બનાવવું પડશે. ભારતે ગ્લોબલ પાવરહાઉસ બનવા માટે સ્થાનિક ધોરણે સમગ્ર સેમિકન્ડટર ઇકોસિસ્ટમ લાવવા પર ધ્યાન કેન્દ્રીત કરવું પડશે. ભારત સરકારે જણાવ્યું છે કે ભારત ચીપ્સ માટે વૈશ્વિક સપ્લાય ચેઇનનો મુખ્ય ખેલાડી બનવા માગે છે અને તેથી સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગમાં 10 બિલિયન ડોલરથી વધુનું પ્રારંભિક રોકાણ કરનારને વધુ પ્રોત્સાહન આપશે.