અનિલ અગ્રવાલના વડપણ હેઠળની માઇનિંગ કંપની વેદાંતે દેવામાં ડૂબેલી જયપ્રકાશ એસોસિએટ્સ (JAL)ના રૂ.17,000 કરોડમાં ખરીદી કરવા માટે વિજેતી બિડ કરી હતી. જયપ્રકાશ માટેની આ રેસમાં વેદાંતે ગૌતમ અદાણીના અદાણી ગ્રુપને મહાત આપી હતી.
રિયલ એસ્ટેટ, સિમેન્ટ, પાવર, હોટલ અને રોડ ક્ષેત્રોમાં બિઝનેસ ધરાતી જયપ્રકાશ લોનની ચુકવણીમાં ડિફોલ્ટ થયા પછી નાદારીની કાર્યવાહીમાં ધકેલાઈ ગઈ છે. તેથી કંપનીના લેણદારોએ નાદારી કાયદા હેઠળ તેના વેચાણની પ્રક્રિયા હાથ ધરી હતી. આ પ્રક્રિયામાં સંખ્યાબંધ કંપનીઓએ બિડ કરી હતી, પરંતુ આખરે અદાણી અને વેદાંત ગ્રુપ વચ્ચે સ્પર્ધા રહી હતી. વેદાંતે આખરે 17,000 કરોડ રૂપિયાની બિડ કરી હતી.
આ વર્ષે એપ્રિલમાં, 25 જેટલી કંપનીઓએ JAL ને હસ્તગત કરવામાં રસ દાખવ્યો હતો.JAL ને હસ્તગત કરવા માટે અદાણી એન્ટરપ્રાઇઝ, દાલમિયા ભારત સિમેન્ટ, વેદાંત ગ્રુપ, જિંદાલ પાવર અને PNC ઇન્ફ્રાટેકે બિડ સબમિટ કરી હતી.
રિયલ એસ્ટેટ, સિમેન્ટ ઉત્પાદન, હોસ્પિટાલિટી, એન્જિનિયરિંગ અને બાંધકામ સહિતના ક્ષેત્રોમાં બિઝનેસ ધરાવતી JALને 3 જૂન, 2024ના રોજ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ, અલ્હાબાદ બેન્ચ દ્વારા કોર્પોરેટ નાદારી ઠરાવ પ્રક્રિયા (CIRP) ચાલુ કરાઈ હતી. કંપનીના લેણદારો આશરે રૂ.57,185 કરોડની લેણાની માગણી કરી રહ્યાં છે. JAL પાસે ગ્રેટર નોઈડામાં જેપી ગ્રીન્સ જેવા મોટા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ છે, જે નોઈડામાં જેપી ગ્રીન્સ વિશટાઉનનો એક ભાગ છે. JAL પાસે મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં ચાર સિમેન્ટ પ્લાન્ટ છે, અને મધ્યપ્રદેશમાં કેટલીક લીઝ પર લીધેલી ચૂનાના પથ્થરની ખાણો છે. જોકે, સિમેન્ટ પ્લાન્ટ કાર્યરત નથી.
