કેનેડા સરકારના આતંકવાદી ભંડોળ અંગેના નવા અહેવાલમાં જણાવાયું હતું કે ઓછામાં ઓછા બે ખાલિસ્તાની ઉગ્રવાદી જૂથોને કેનેડામાંથી નાણાકીય સહાય મળી છે અને ખાલિસ્તાની ઉગ્રવાદીઓ તેની ધરતી પર કાર્યરત છે.
મની લોન્ડરિંગ અને ટેરર ફાઇનાન્સ જોખમ અંગે કેનેડાના નાણા વિભાગના નવેસરના મૂલ્યાંકન પછી કેનેડાએ આ એકરાર કર્યો છે. અહેવાલમાં જણાવ્યું હતું કે ખાલિસ્તાની હિંસક ઉગ્રવાદી જૂથો સહિત અનેક આતંકવાદી સંગઠનો રાજકીય રીતે પ્રેરિત હિંસા સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ માટે કેનેડાની અંદરથી નાણાકીય સમર્થન મળી રહ્યું છે.
કેનેડાના નાણાવિભાગે જારી કરેલા ‘કેનેડામાં મની લોન્ડરિંગ અને આતંકવાદી ફંડિંગ જોખમો 2025 મૂલ્યાંકન’ શીર્ષક ધરાવતા અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે આ જૂથો રાજકીય પ્રેરિત હિંસા સાથે જોડાયેલી પ્રવૃત્તિઓ માટે ભંડોળ મેળવી રહ્યાં છે. ખાલિસ્તાની જૂથો કેનેડા સહિત અનેક દેશોમાં ભંડોળ એકત્ર કરતા હોવાની આશંકા છે. આ જૂથો અગાઉ કેનેડામાં એક મોટું ફંડિગ નેટવર્ક ધરાવતાં હતાં, પરંતુ હવે એવું લાગે છે કે આ જૂથોને હવે વ્યક્તિઓના નાના ગ્રુપ મારફત સમર્થન મળી રહ્યું છે.
કેનેડાને લાંબા સમયથી બબ્બર ખાલસા, ઇન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન અને શીખ્સ ફોર જસ્ટિસ જેવા ખાલિસ્તાની સંગઠનોનું આશ્રયસ્થાન માનવામાં આવે છે. પરંતુ પ્રથમ વખત ઓટ્ટાવાએ ઔપચારિક રીતે ઉગ્રવાદી જૂથની હાજરી અને તેની સાથે જોડાયેલી નાણાકીય પ્રવૃત્તિઓનો સ્વીકાર કર્યો છે.
રીપોર્ટમાં જણાવાયું છે કે કેનેડામાં ક્રિમિનલ કોડ હેઠળ સૂચિબદ્ધ હમાસ, હિઝબુલ્લાહ અને ખાલિસ્તાની હિંસક ઉગ્રવાદી જૂથો બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ અને ઇન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન કેનેડામાંથી નાણાકીય સહાય મેળવી રહ્યું હોવાનું કાયદા અને ગુપ્તચર એજન્સીઓએ નોંધ્યું છે. કેનેડિયન કાયદા અમલીકરણ અને ગુપ્તચર એજન્સીઓએ દેશના સ્ત્રોતોમાંથી હમાસ અને હિઝબુલ્લાહ સહિતના આ ઉગ્રવાદી જૂથોને નાણાકીય સમર્થન મળ્યું હોવાના પુરાવા મેળવ્યાં છે.
