ગુજરાતમાં 10 જાન્યુઆરીએ ગ્લોબલ વાયબ્રન્ટ સમીટ પહેલા રૂ.24185.22 કરોડના 20 સમજૂતીપત્ર પર હસ્તાક્ષર થયાં છે. આ કરારથી રાજ્યમાં રોજગારીની 37,000 તકનું સર્જન થશે, તેવો મુખ્યપ્રધાને દાવો કર્યો હતો.સામાન્ય રીતે વાઇબ્રન્ટ સમીટ ચાલુ હોય ત્યારે એમઓયુ થાય છે, પરંતુ આ વખતે અગાઉથી એમઓયુનો પ્રારંભ થયો છે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઉદ્યોગ વિભાગ અને વિવિધ રોકાણકારો વચ્ચે ગાંધીનગરમાં આ એમઓયુ સાઇન થયાં છે. આ પ્રસંગે મુખ્યપ્રધાન ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી કૈલાસનાથન, રાજ્યના ચીફ સેક્રેટરી પંકજકુમાર અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્યસચિવ ડો. રાજીવકુમાર ગુપ્તા હાજર રહ્યાં હતા. જે કરાર થયાં છે તેમાં ધોલેરા સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયનના બે પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

સમજૂતીપત્ર હેઠળ આ ઉદ્યોગો ગુજરાતમાં દહેજ, ભરૂચ, ધોલેરા, વડોદરા, હાલોલ સહિત અન્ય સ્થળોએ મૂડીરોકાણ કરશે. ઇન્ડો એશિયન કોપર દ્વારા 8500 કરોડનું રોકાણ અમરેલીમાં કરવામાં આવશે. કિરી ઇન્ડસ્ટ્રીઝ તરફથી દહેજમાં 2900 કરોડનું રોકાણ આવી રહ્યું છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દહેજમાં 1592.22 કરોડનું મૂડીરોકામ કરશે. મેઘમણી જૂથની વિવિધ કંપનીઓ ગુજરાતમાં 2600 કરોડનું રોકાણ કરશે, જ્યારે મેરિનો ઇન્ડસ્ટ્રીઝ પંચમહાલના હાલોલમાં 900 કરોડનું રોકાણ કરશે.