(ANI Photo)
યુવા કલાકાર વિક્રાંત મેસી અત્યારે ટ્વેલ્થ ફેઇલની સફળતાને માણી રહ્યો છે. છેલ્લાં ઘણાં વર્ષોથી તે ફિલ્મો કરી રહ્યો છે પણ વિધુ વિનોદ ચોપડાની ફિલ્મ ટ્વેલ્થ ફેઇલ પછી તેનો સિતારો ચમકી ગયો છે. તે છેલ્લા એક દાયકાથી ફિલ્મોમાં સક્રિય છે, તેણે વિક્રાંત દિલ ધડકને દો, ડેથ ઇન ગુંજ, લિપસ્ટીક અન્ડર માય બુરખા, હાફ ગર્લફ્રેન્ડ, કોપી, રામપ્રસાદ કી તેરહવી, છપાક અને હસીન દિલરૂબા જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. વેબસિરીઝ મિર્ઝાપુરમાં પણ તેનાં વખાણ થયા હતા.
ફિલ્મોમાં આવતા અગાઉ વિક્રાંત અનેક ટીવી સિરીયલોને કારણે લોકપ્રિયતા મેળવી ચૂક્યો હતો. તે ધરમવીર, બાલિકાવધૂ, કબૂલ હૈ અને બાબા ઐસો વર ઢુંઢો જેવી સિરીયલોમાં કામ કરીને લોકપ્રિય થયો હતો. કહેવાય છે કે, એ સમયે તેણે દર મહિને રૂ. 35 લાખનો કોન્ટ્રાક્ટ કર્યો હતો, આમ છતાં તેને ફિલ્મોમાં કામ કરવું હતું.
તાજેતરમાં એક ઇન્ટરર્વ્યૂમાં વિક્રાંતે 35 લાખનો કોન્ટ્રાક્ટ છોડવાનું કારણ જણાવ્યું હતું અને કઈ રીતે ગર્લફ્રેન્ડ (હવે પત્ની) શીતલ ઠાકુરે ફિલ્મ ઓડિશન માટે આર્થિક સહાય કરી હતી તેની માહિતી આપી હતી. વિક્રાંતે જણાવ્યું કે, તે ટીવી સિરીયલોમાંથી સારી એવી કમાણી કરતો હતો. તેણે તેમાંથી 24 વર્ષની ઉંમરમાં પોતાનું પ્રથમ ઘર પણ ખરીદી લીધું હતું.
જોકે ટીવી સીરિયલોમાં રૂઢિચુસ્ત કન્ટેન્ટથી તે ખુશ નહોતો અને તે નવી તકો શોધવા ઇચ્છતો હતો. તેને સમજાયું કે માત્ર પૈસો હોવાથી બધું જ મળી જતું નથી, તેને પોતાનાં કામથી સંતોષ નહોતો. તેની નાણાકીય સ્થિતિ મજબૂત થઇ ગયા પછી અને તમામ દેવુ-લોન ચૂક્તે કર્યા પછી તેણે ફિલ્મીજગતમાં પદાર્પણ કરવાનો નિર્ણય લીધો. મહિને 35 લાખની કમાણી જતી કરતાં તેનાં માતા-પિતા પણ નારાજ થયા હતા. ઉપરાંત તેનો પરિવાર મધ્યમ વર્ગીય હોવાથી 35 લાખ બહુ મોટી રકમ હતી. તેણે ફિલ્મોમાં કામ કરવા માટે મોટું આર્થિક જોખમ ખેડવા આકરો નિર્ણય લીધો અને ટીવી સીરિયલમાં કામ કરવાનું છોડી દીધું.
જોકે, તેને તાત્કાલિક ફિલ્મો ન મળી અને એક વર્ષમાં તો બધી બચત ખલાસ થઈ ગઈ અને આર્થિક તકલીફ પણ ઊભી થઇ હતી. આ સમયે તેની ગર્લફ્રેન્ડ અને હવે પત્ની શીતલ ઠાકુરે તેને ચાર પાંચ મહિના માટે પોકેટ મની આપ્યા હતા જેથી તે ફિલ્મ ઓડિશન સહિતનાં કામ કરી શકે. ધીમે ધીમે તેને ફિલ્મોમાં કામ મળતા તે થોડા આર્થિક રીતે સધ્ધર થયો હતો. એક દાયક પછી ટ્વેલ્થ ફેઇલને કારણે તે અત્યારે ચર્ચામાં છે. તેની નવી ફિલ્મોમાં ફિર આઇ હસીન દિલરૂબા, મૌની રોય સાથેની બ્લેક આઉટ, દિનેશ વિજન દિગ્દર્શિત સેક્ટર-36 નો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

14 − four =